જાનકી સહિયર વૃંદનું અધિક માસ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ
સીટી ન્યૂઝ@જૂનાગઢ
અધિક માસ નિમિત્તે રાયજીબાગ સ્થિત નાગેશ્વર મંદિર ખાતે રાયજીબાગ સત્સંગ મંડળ દ્વારા ભક્તિમય વાતાવરણમાં "લાલાને લાડ લડાવો" ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેતનાબેન મિશ્રાણીના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહિલા સંસ્થામાં હાલમાં ૭૫ બહેનો સભ્ય તરીકે જોડાયેલી છે. અગિયારસના પાવન પ્રસંગે યોજાયેલા આ કાર્યક્રમમાં રશ્મિબેન વિઠ્લાણી અને તેમની ટીમ દ્વારા કૃષ્ણ જન્મ, બાળલીલા, માખણ લીલા, રાધા-કૃષ્ણ લીલા, મથુરા ગમન તથા ગૌચરણ લીલા જેવા પ્રસંગોની જીવંત રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આબેહૂબ વ્રજધામનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે બહેનો દ્વારા ખૂબ પ્રશંસા મળી હતી. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બહેનોનું કારોબારી સભ્યો દ્વારા કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જાનકી સહિયર વૃંદ દ્વારા ઉપસ્થિત મહિલાઓને સ્ટીલની આકર્ષક વોટર બોટલ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આશરે ૧૦૦થી વધુ મહિલા ભક્તોએ કાર્યક્રમનો લાભ લીધો હતો.
પ્રસંગે વેલકમ ડ્રિંક તરીકે દાવતની સોડા પીરસવામાં આવી હતી. અંતે ફરાળી અલ્પાહાર, ચેવડો, માંડવી પાક તેમજ પ્રસાદીના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ચંદ્રકાંતભાઈ સ્વામી, ભારતીબેન ઘીયા, ભાવનાબેન અઢીયા, નીલાબેન લાખાણી, ચેતનાબેન મિશ્રાણી, નીલાબેન વસાણી અને જયશ્રીબેન ગોટેચા સહિતના અગ્રણીઓનો સહયોગ મળ્યો હતો. સભાનું સંચાલન અલકાબેન ઠક્કરે કર્યું હતું, જ્યારે જયશ્રીબેન ચૌહાણ, અલકાબેન પરમાર, મીરાબેન રૂપારેલિયા, ભાવિકાબેન કોટેચા, સ્વાતિબેન મિશ્રાણી, શ્વેતાબેન મિશ્રાણી અને આરતીબેન કારિયા સહિતના કારોબારી સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.