"જામનગરમાં પેટ્રોલ માટે પડાપડી: અછતની અફવાએ પંપો પર મચાવી અરાજકતા, વાહનોની કિમી લાંબી કતારો"
- હર્ષ સંઘવીની અપીલ- "જથ્થો પૂરતો છે, અફવામાં ન દોરાવ" - છતાં પંપ પર ₹200નું જ પેટ્રોલ મળતા જનતા પરેશાન
- પંપ સંચાલકોએ મર્યાદિત જથ્થો આપતા વાહનચાલકોમાં રોષ - ઓફિસ જનારા અને વિદ્યાર્થીઓ મુકાયા મુશ્કેલીમાં
- 'સ્ટોક ઓછો છે' ના બહાને ગ્રાહકોને પરત મોકલાયા - લોકોમાં ફફડાટ ફેલાતા પંપો પર ટ્રાફિક જામના દ્રશ્યો
જામનગર શહેરમાં ગઈકાલ સાંજથી જ પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવા વાયુવેગે ફેલાતા શહેરના તમામ પેટ્રોલ પંપો પર વાહનોની કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે. લોકોમાં એવી દહેશત છે કે આગામી દિવસોમાં ઇંધણ નહીં મળે, જેના કારણે દરેક વ્યક્તિ પોતાની ગાડીની ટાંકી ફૂલ કરાવવા માટે પડાપડી કરી રહી છે. આ સ્થિતિને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે.
આ ગંભીર સ્થિતિને જોતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, "રાજ્યમાં પેટ્રોલ કે ડીઝલની કોઈ જ અછત નથી. લોકોએ સોશિયલ મીડિયા પર વહેતી થયેલી અફવાઓથી ગભરાવાની જરૂર નથી. સરકાર દ્વારા તમામ પંપ પર જથ્થો પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે." તેમણે નાગરિકોને ખોટી રીતે લાઈનો લગાવીને અરાજકતા ન ફેલાવવા અપીલ કરી છે.
જોકે, જામનગરના ગ્રાહકોની ફરિયાદ અલગ છે. અનેક પેટ્રોલ પંપ સંચાલકોએ 'સ્ટોક ઓછો છે' તેમ કહીને મર્યાદિત માત્રામાં પેટ્રોલ આપવાનું શરૂ કર્યું છે. વાહનચાલકોનો આક્ષેપ છે કે તેમને જરૂરિયાત મુજબનું ઇંધણ આપવામાં આવતું નથી અને માત્ર ₹200 કે ₹500નું જ પેટ્રોલ આપીને રવાના કરી દેવામાં આવે છે. લાંબા અંતરની મુસાફરી કરવા ઈચ્છતા લોકો માટે આ સ્થિતિ અત્યંત મુશ્કેલ બની ગઈ છે.
અચાનક સર્જાયેલી આ ભીડને કારણે ઓફિસ જતા નોકરિયાતો અને શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓનો કિંમતી સમય બગડી રહ્યો છે. સ્થાનિકોની માગ છે કે જો જથ્થો પૂરતો હોય તો તંત્રએ પંપ સંચાલકો પર કડક નજર રાખવી જોઈએ જેથી તેઓ ગ્રાહકોને હેરાન ન કરે. અત્યારે જામનગરના રસ્તાઓ પર પેટ્રોલ પંપ પાસે પોલીસ બંદોબસ્ત રાખવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.