Loading Please Wait !!!
સીનર્જી, સ્ટર્લિંગ, HCG હોસ્પિટલમાં મચ્છરના લાર્વા, મળી આવ્યા...

જ્યાં સારવાર થવી જોઈએ ત્યાં જ રોગ ફેલાય છે

રાજકોટની 69 હોસ્પિ.માં મચ્છરોનો પડાવ; આરોગ્ય વ્યવસ્થા બેફામ

સીટી ન્યૂઝ@રાજકોટ

મનપાના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળા અટકાવતી પગલાંના ભાગ રૂપે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે. જેમાં મુખ્યત્વે હોસ્પિટલમાંથી જ રોગચાળો ફેલાવાનો ભય જોવા મળ્યો છે. તપાસ દરમિયાન સીનર્જી, સ્ટર્લિંગ, એચસીજી સહિતની ૬૯ હોસ્પિટલ અને લેબોરેટરીમાં મચ્છરોના લાર્વા મળી આવતા તમામને નોટિસ ફટકારી રૂ. ૧.૧૮૫૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતેથી આરોગ્ય શિક્ષણ, પત્રિકા વિતરણ, રેલી જેવા આરોગ્ય શિક્ષણના કાર્યક્રમ કરવામાં આવેલ તથા મેલેરિયા તથા તેને નિયંત્રણ અર્થે લેવાના થતા પગલાં વિશે માહિતગાર કરવામાં આવ્યા છે. સઘન વાહક નિયંત્રણ ઝુંબેશ અંતર્ગત હાથ ધરાયેલ કામગીરી હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા શહેરની ૫૨૩ બાંધકામ સાઈટની તપાસ કરવામાં આવી. જેમાં મચ્છર ઉત્પત્તિ થવાની સંભાવના અથવા મચ્છર ઉત્પત્તિ જોવા મળતા ૨૭૫ બાંધકામ સાઈટને નોટિસ આપવામાં આવી હતી. તેમજ શહેરની ૩૪૧ હોસ્પિટલ અને લેબોરેટરીઓની તપાસ કરવામાં આવી, જેમાં મચ્છર ઉત્પત્તિ થવાની સંભાવના અથવા મચ્છર ઉત્પત્તિ જોવા મળતા ૬૯ હોસ્પિટલ અને લેબોરેટરીને નોટિસ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ૧૨૩ ભંગારના ડેલા અને ટાયરના સ્થળોની તપાસ કરવામાં આવી, જેમાં મચ્છર ઉત્પત્તિ થવાની સંભાવના અથવા મચ્છર ઉત્પત્તિ જોવા મળતા ૯૪ ભંગારના ડેલા અને ટાયર વેપારીઓને નોટિસ આપવામાં આવી છે.