ભગવાન હનુમાન પર કોઈ એકાધિકાર સ્વીકાર્ય નહીં
- ધર્મ વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશને સાળંગપુર મંદિર ટ્રસ્ટ સમક્ષ અનેક પ્રશ્નો ઉઠાવ્યા
- કષ્ટભંજન સહિત ધાર્મિક પ્રતિકો પર ટ્રેડમાર્ક મુદ્દે હેમાંગ રાવલનો વિરોધ, વિગતો જાહેર કરવાની માંગ
હેમાંગ મહીપતરામ રાવલ ચેરમેન વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન મો. નં.- 9825233118
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન ચેરમેન શ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું કે તાજેતરમાં સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા "કિંગ ઓફ સાળંગપુર" પ્રતિમા, વિવિધ ધાર્મિક પ્રતિકો, નામો, ઓળખ અને સંબંધિત બાબતો માટે કોપિરાઇટ તથા ટ્રેડમાર્ક મેળવવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સમગ્ર સનાતન હિંદુ સમાજમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનનું માનવું છે કે ભગવાન હનુમાન, તેમના પ્રાચીન વિશેષણો, ધાર્મિક પ્રતિકો, મૂર્તિઓ, પ્રસાદ અને સનાતન પરંપરાઓને ખાનગી બૌદ્ધિક સંપત્તિ તરીકે રજૂ કરવાનો કોઈપણ પ્રયાસ સમગ્ર સનાતન હિંદુ સમાજ માટે ચિંતાજનક છે. ભગવાન હનુમાનનું વર્ણન માત્ર રામાયણમાં જ નહીં પરંતુ મહાભારત, ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, નારદ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, અગ્નિ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, અધ્યાત્મ રામાયણ, આનંદ રામાયણ, અદ્ભુત રામાયણ, રામચરિતમાનસ, હનુમાન ચાલીસા, હનુમાન ઉપનિષદ અને અસંખ્ય ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. ભગવાન હનુમાન કોઈ એક ટ્રસ્ટ, સંસ્થા કે વ્યક્તિની રચના નથી, પરંતુ હજારો વર્ષોથી કરોડો હિંદુઓની શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે.
"કષ્ટભંજન", "સંકટમોચન", "બજરંગબલી", "મહાવીર", "રામદૂત", "પવનપુત્ર", "અંજનેય", "મારુતિ" અને અન્ય અનેક વિશેષણો સદીઓથી ભગવાન હનુમાન માટે વપરાતા આવ્યા છે. તે જ રીતે ભગવાન ગણેશ માટે "વિઘ્નહર્તા", ભગવાન શિવ માટે "ભોલેનાથ" અને ભગવાન કૃષ્ણ માટે "ગોપાલ" જેવા શબ્દો સમગ્ર હિંદુ સમાજની સામૂહિક ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહર છે. આવા શબ્દો કોઈ સંસ્થાએ સર્જેલા બ્રાન્ડ નથી, પરંતુ સનાતન ધર્મની જીવંત પરંપરાનો અભિન્ન ભાગ છે.
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન પ્રશ્ન ઉઠાવે છે કે જો આજે "કષ્ટભંજન" જેવા ધાર્મિક વિશેષણો અથવા તેની સાથે જોડાયેલા પ્રતિકો પર વિશિષ્ટ અધિકારનો દાવો કરવામાં આવશે, તો આવતીકાલે "સંકટમોચન", "બજરંગબલી", "વિઘ્નહર્તા", "સિદ્ધિવિનાયક", "ભોલેનાથ", "મહાદેવ", "ગોવિંદ" અને "ગોપાલ" જેવા અન્ય પ્રાચીન ધાર્મિક શબ્દો અંગે પણ સમાન દાવા થઈ શકે. શું સનાતન ધર્મના હજારો વર્ષ જૂના ધાર્મિક શબ્દો અને પ્રતિકો ધીમે ધીમે ખાનગી માલિકીના દાયરા હેઠળ લઈ જવામાં આવશે?
આજે ગુજરાત, ભારત અને વિશ્વના અનેક દેશોમાં કષ્ટભંજન હનુમાનજીના મંદિરો આવેલા છે. લાખો ભક્તો પોતાના ઘરોમાં કષ્ટભંજન દેવની પ્રતિમાઓ સ્થાપિત કરે છે. હજારો મૂર્તિકારો આવી પ્રતિમાઓનું નિર્માણ કરે છે. જો કષ્ટભંજનદેવના નામ, પ્રતિકો, પ્રસાદ અથવા સ્વરૂપો અંગે કોપિરાઇટ અને ટ્રેડમાર્કના દાવાઓ કરવામાં આવે છે, તો શું ભવિષ્યમાં અન્ય મંદિરો, મૂર્તિકારો, પ્રકાશકો, ભજન મંડળો અને ભક્તોને કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? શું અન્ય કષ્ટભંજન મંદિરોને પણ લાયસન્સ લેવું પડશે? આવા પ્રશ્નોના જવાબ સમગ્ર હિંદુ સમાજ માંગે છે.
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનનું માનવું છે કે પ્રસાદ કોઈ કોમર્શિયલ પ્રોડક્ટ નથી. પ્રસાદ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક પરંપરાનું પ્રતિક છે. તે જ રીતે દેવતાઓના નામો, પ્રાચીન વિશેષણો અને ધાર્મિક પ્રતિકો કરોડો ભક્તોની સામૂહિક આસ્થાનો વિષય છે. તેથી આવા મુદ્દાઓને ટ્રેડમાર્ક અને કોપિરાઇટના માધ્યમથી નિયંત્રિત કરવાનો કોઈપણ પ્રયાસ ધાર્મિક ક્ષેત્રમાં અનાવશ્યક વિવાદો ઊભા કરી શકે છે.
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન સનાતન હિંદુ સમાજને યાદ અપાવવા માંગે છે કે આ પ્રથમ પ્રસંગ નથી જ્યારે સાળંગપુર મંદિરની પ્રવૃત્તિઓને લઈને વ્યાપક ચર્ચા અને વિવાદ ઊભો થયો હોય. વર્ષ ૨૦૨૩માં "કિંગ ઓફ સાળંગપુર" પ્રતિમાના પેડેસ્ટલ પર મૂકાયેલા કેટલાક ચિત્રોને લઈને સમગ્ર ગુજરાત અને દેશભરમાં વિરોધ થયો હતો. અનેક સંતો, હિંદુ સંગઠનો અને ભક્તોએ વાંધો ઉઠાવ્યો હતો કે તે ચિત્રોમાં ભગવાન હનુમાનને ભગવાન સ્વામિનારાયણના ભક્ત અથવા તેમના ચરણોમાં દર્શાવવામાં આવ્યા હતા. ભારે વિરોધ બાદ મંદિર સંચાલકોએ તે ચિત્રો દૂર કરવા પડ્યા હતા. તે ઘટનાએ સમગ્ર હિંદુ સમાજમાં એ પ્રશ્ન ઊભો કર્યો હતો કે શું સદીઓથી સ્વીકારાયેલી સનાતન પરંપરાઓ અને દેવતાઓની સ્થિતિ અંગે કોઈ એક સંસ્થા પોતાનું અર્થઘટન સર્વસ્વીકાર્ય બનાવવા માંગે છે?
આજે કોપિરાઇટ અને ટ્રેડમાર્કનો નવો વિવાદ સામે આવતાં ફરી એક વખત સમાજમાં એ જ ચિંતા વ્યક્ત થઈ રહી છે કે શું ભગવાન હનુમાન અને કષ્ટભંજનદેવ સાથે જોડાયેલી સનાતન પરંપરાઓને ધીમે ધીમે કોઈ એક સંસ્થાની વિશિષ્ટ ઓળખ અને નિયંત્રણ હેઠળ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે?
ભારતીય બંધારણની કલમ ૨૧ દરેક નાગરિકને ગૌરવપૂર્ણ જીવન અને સાંસ્કૃતિક ઓળખનો અધિકાર આપે છે. કલમ ૨૫ અને ૨૬ દરેક નાગરિકને ધાર્મિક સ્વતંત્રતા અને ધાર્મિક પરંપરાઓનો પાલનનો મૂળભૂત અધિકાર આપે છે. ટ્રેડમાર્ક એક્ટ, ૧૯૯૯ ની કલમ ૯(૨)(b) ધાર્મિક લાગણીઓને અસર કરતી બાબતો અંગે વિશેષ સંવેદનશીલતા રાખે છે.
સુપ્રિમ કોર્ટના Lal Babu Priyadarshi v. Amritpal Singh (૨૦૧૫) કેસમાં પણ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલા નામો અંગે મહત્વપૂર્ણ અવલોકનો કરવામાં આવ્યા હતા. વિવિધ અદાલતોએ પણ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલા નામો અને પ્રતિકો અંગે વિશેષ સાવધાની રાખવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે.
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન સાળંગપુર મંદિર ટ્રસ્ટ સમક્ષ માંગણીઓ કરે છે કે:
-
■ તમામ ટ્રેડમાર્ક અને કોપિરાઇટ નોંધણીઓની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે.
-
■ ટ્રેડમાર્ક નંબર, કોપિરાઇટ નંબર અને અરજીની નકલો જાહેર કરવામાં આવે.
-
■ "કષ્ટભંજન", "કિંગ ઓફ સાળંગપુર", ધાર્મિક પ્રસાદ, પ્રતિમા અને અન્ય પ્રતિકો અંગે ચોક્કસપણે શું નોંધાવ્યું છે તે સ્પષ્ટ કરવામાં આવે.
-
■ સામાન્ય ભક્તો, અન્ય મંદિરો, ધાર્મિક સંસ્થાઓ, પ્રકાશકો, મૂર્તિકારો અને ભજન મંડળોના ધાર્મિક ઉપયોગ પર કોઈ અસર નહીં થાય તેવી જાહેર ખાતરી આપવામાં આવે.
-
■ આ સમગ્ર પ્રક્રિયામાં ટ્રસ્ટના કેટલા નાણાં ખર્ચાયા તેની વિગતો જાહેર કરવામાં આવે.
-
■ ટ્રસ્ટી મંડળના સંબંધિત ઠરાવોની નકલો જાહેર કરવામાં આવે.
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન સ્પષ્ટપણે જાહેર કરે છે કે તેનો વિરોધ કોઈ વ્યક્તિ, સંત કે મંદિર સામે નથી, પરંતુ સનાતન ધર્મની સામૂહિક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસા પર કોઈપણ પ્રકારના એકાધિકારવાદી દાવા સામે છે. જો સંબંધિત દસ્તાવેજોની સમીક્ષા બાદ એવું જણાશે કે સદીઓથી પ્રચલિત ધાર્મિક શબ્દો, પ્રતિકો, પ્રસાદ, મૂર્તિઓ અથવા પરંપરાઓ પર અતિશય અને જાહેર હિતને અસર કરતો અધિકાર સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તો વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન સર્વે સનાતની સંસ્થાઓને સાથે રાખીને ટ્રેડમાર્ક રજિસ્ટ્રી સમક્ષ વાંધા, ચેરિટી કમિશનર સમક્ષ રજૂઆત, સંબંધિત સત્તાધિકારીઓ સમક્ષ ફરિયાદો તથા હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી સહિતના તમામ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરશે.