Loading Please Wait !!!
નવનિર્મિત સાંઢિયા પુલના લોકાર્પણ પૂર્વે મનપા દ્વારા હેપી સ્ટ્રીટનું આયોજન

» લોકાર્પણ પૂર્વે શહેરવાસીઓ માટે રમતગમત, મનોરંજન અને લાઈટીંગનો કાર્યક્રમ : આવતીકાલે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના હસ્તે ઓવરબ્રિજનું લોકાર્પણ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર રૂ. ૭૪.૩૨ કરોડના ખર્ચે નિર્મિત સાંઢિયા પુલના લોકાર્પણ પૂર્વે આજે તા. ૧૨ જૂને રાત્રે ૯ વાગ્યે હેપી સ્ટ્રીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એરપોર્ટ ગાર્ડન સામે આવેલા નવનિર્મિત સાંઢિયા પુલ પર યોજાનાર આ કાર્યક્રમમાં શહેરવાસીઓ માટે વિવિધ રમતગમત અને મનોરંજન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા ડો. હિરેનભાઈ ખીમાણીયા તથા દંડક સંજયસિંહ રાણાએ સંયુક્ત અખબારી યાદીમાં આ માહિતી આપી હતી.

મનપાના જણાવ્યા મુજબ આવતીકાલે તા. ૧૩ જૂને સવારે ૧૦ વાગ્યે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવશે. તે પહેલાં શહેરના નાગરિકો નવા ઓવરબ્રિજની મુલાકાત લઈ શકે તે હેતુથી હેપી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમ દરમિયાન લીંબુ-ચમચી, રસ્સાખેંચ, કોથળા દોડ, દોરડા કૂદ, લૂડો, સાપસીડી, હોપ્સકોચ, પઝલ, ડ્રોઇંગ, ઝુમ્બા અને ગરબા સહિતની વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. ઉપરાંત પુલ પર કરવામાં આવેલી વિશેષ લાઈટિંગ પણ મુખ્ય આકર્ષણ રહેશે.

મનપા દ્વારા જણાવાયું છે કે બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત તમામ વયજૂથના નાગરિકો માટે આ કાર્યક્રમ ખુલ્લો રહેશે. શહેરના વિકાસના નવા પ્રતીક સમાન સાંઢિયા પુલની ઝગમગાટ વચ્ચે પરિવાર સાથે આનંદની ક્ષણો માણી શકાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને પરિવારજનો અને મિત્રો સાથે હેપી સ્ટ્રીટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ અવસરને ઉત્સવરૂપે ઉજવવા આમંત્રણ પાઠવ્યું છે.