આફતના એંધાણ ખોવાયું છે, ચોમાસુ!
દરિયાકાંઠે ચોમાસુ સ્થિર થયું ખેડૂતોની માઠી દશા?
હજુ 8 દિવસ સુધી વરસાદી સિસ્ટમ બનવાના કોઈ સંકેત નથી
સિટી ન્યૂઝ@રાજકોટ
વરસાદની રાહ જોઈ રહેલા દેશના ખેડૂતો માટે કોઈ સારા સમાચાર નથી. ચોમાસાને લઈને સૌથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ચોમાસાને મુંબઈ પહોંચતા હજુ ૭થી ૮ દિવસનો સમય લાગશે. ૮ જૂનથી પશ્ચિમના દરિયાકાંઠે ચોમાસું સ્થિર થયું છે. છેલ્લા ૬ દિવસથી ચોમાસું મહારાષ્ટ્રના દરિયામાં અટક્યું છે. ચોમાસામાં વિલંબનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં ડિપ્રેશનનો અભાવ જોવા મળી રહ્યો છે. આગામી સપ્તાહ સુધી વરસાદી સિસ્ટમ બનવાના કોઈ સંકેત નથી.
ચોમાસાની ધીમી ગતિને કારણે, દેશના ૭૨૩ જિલ્લામાંથી માત્ર ૧૦૩ જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જ્યારે કે ૪થી ૫ દિવસમાં ચોમાસું તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહારના અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં આગળ વધ તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
એક બાજુ મોડા વરસાદ આવવાની શક્યતા છે. તો બીજી બાજુ આજથી ૨ દિવસ વરસાદની શક્યતા છે. હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ડાંગમાં હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ સિસ્ટમ સક્રિય થતાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આવતીકાલથી ઉત્તર-પશ્ચિમમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઈ શકે છે. પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મેદાની વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. ઉત્તર-પૂર્વ ભારત અને ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદનું એલર્ટ છે. પાકિસ્તાન-રાજસ્થાન પર નવી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાદળિયા વાતાવરણથી ગરમીમાં ઘટાડો, પરંતુ ઉકળાટથી લોકો ત્રાહિમામ થયા છે. અમદાવાદ સુધી ચોમાસું પહોંચતા હજુ ૫ દિવસનો સમય લાગી શકે છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર છે.