Loading Please Wait !!!
ગુડ વર્ક વિજ્ઞાન જાથા : જામનગરની મહિલાનો ‘શિવ સાક્ષાત્કાર’ નો ભાંડાફોડ

51,000 ની ઠગાઈ સ્કીમ ફેલ : શિવ સાક્ષાત્કાર નીકળી બોગસ
મમતા દવેએ સોશિયલ મીડિયા પર પોતે ભગવાન શિવ સાથે વાતચીત કરે છે, ભવિષ્ય જાણે છે તે દેશનું નેતૃત્વ કરશે જેવા દાવા કર્યા હતા

સિટી ન્યૂઝ@જામનગર

જામનગરમાં પોતાને શિવજીનો સાક્ષાત્કાર થયો હોવાના અને પોતે આગામી વડાપ્રધાન બનશે તેવા મોટા-મોટા દાવાઓ કરતી ૧ મહિલાનો ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા સત્તાવાર રીતે પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિજ્ઞાન જાથાની ટીમે પોલીસની મદદથી મહિલાના ઘરે ધસી જઈને તેના માનસિક ભ્રમ અને ઢોંગને ખુલ્લા પાડ્યા હતા, જેના અંતે મહિલાએ પોતાનો ગુનો કબૂલીને જાહેરમાં માફી માંગી લીધી છે.

સ્વામિનારાયણ નગરમાં રહેતી મમતા દવે નામની ૯ ધોરણ પાસ મહિલાએ સોશિયલ મીડિયા પર એવો ભ્રમ ફેલાવ્યો હતો કે સપ્ટેમ્બર ૨૦૨૨ માં તેને શિવજીનો સાક્ષાત્કાર થયો છે અને હવે નરેન્દ્ર મોદી પછી તે પોતે દેશની વડાપ્રધાન બનશે. આગામી ચૂંટણીમાં ગુજરાત સરકાર હારી જશે અને પોતે ૨૪ કલાકમાં દેશના પ્રાણપ્રશ્નો ઉકેલી અમેરિકાથી પણ ભારતને આગળ લઈ જશે તેવા હાસ્યાસ્પદ દાવાઓ કર્યા હતા. પોતાની અહિંસક સત્યાગ્રહ પાર્ટીમાં સદસ્યતા માટે ૫૧૦૦૦ રૂપિયા અને વાતચીત કરવા માટે ૧૦૦૧ થી ૫૦૦૧ રૂપિયાની ફી પણ નક્કી કરી હતી. તે ભૂત-ભવિષ્ય જાણી શકે છે અને શરીરમાં ૧૧૪ પ્રકારની મુદ્રાઓ સ્થાપિત છે તેવો દાવો કરી લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવી રહી હતી.

આ બાબતની જાણ વિજ્ઞાન જાથાના કાર્યાલયમાં થતાં ચેરમેન જયંત પંડ્યાએ પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી. સીટી ડીવાય.એસ.પી. જયવીર ઝાલા અને સીટી બી-ડિવિઝન પોલીસની મદદથી જાથાની ટીમ મમતા દવેના ઘરે પહોંચી હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.

પોલીસ સ્ટેશનમાં જયંત પંડ્યાએ કાયદાકીય રીતે ગુનો બનતો હોવાની વાત કરતા જ અગાઉ મોટા દાવાઓ કરતી મહિલા ભાંગી પડી હતી અને રડવા લાગી હતી. સતત બોલતી અને માનસિક વાલોપાત ધરાવતી આ મહિલાએ પોતાની ભૂલ કબૂલી લીધી હતી અને સ્વેચ્છાએ કબૂલાતનામું લખી આપી, પોતાના તમામ દાવાઓ બોગસ હોવાનું સ્વીકારી લોકોની માફી માંગી લીધી હતી.

વિજ્ઞાન જાથાની તપાસમાં સામે આવ્યું કે ૧૦ વર્ષથી છૂટાછેડા લઈને એકલી રહેતી આ મહિલા પોતે જીવનમાં ક્યારેય સફળ થઈ નહોતી, પરંતુ બીજાના ભૂત-ભવિષ્ય જાણવાના દાવા કરતી હતી. પોલીસ અને જાથાના સમજાવટથી આ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. આ ૧૨૮૭ મો સફળ પર્દાફાશ કરવા માટે ગુલાબસિંહ ચૌહાણ, રોમિત રાજદેવ, રવિ પરબતાણી, અંકલેશ ગોહિલ, ભકિત રાજગોર, ભાવના વાઘેલા અને ભાનુ રોઢીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.