Loading Please Wait !!!
ગિરનાર રોપ-વે વાર્ષિક મેન્ટેનન્સ માટે 9 દિ' બંધ

  • આગામી 2થી 10 જૂન સુધી મેન્ટેનન્સને કારણે બંધ રહેશે

સિટી ન્યૂઝ@જૂનાગઢ

જૂનાગઢ ખાતે આવેલ સુપ્રસિદ્ધ ગિરનાર રોપ-વેમાં મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક ટેકનિકલ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે. ગિરનાર પર્વત પર બિરાજમાન ભગવાન દત્તાત્રેયના દર્શન, મા અંબાનું મંદિર તથા પૌરાણિક જૈન દેરાસરો હોવાને કારણે અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટી પડે છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુરક્ષા અત્યંત મહત્વની હોવાથી મેનેજમેન્ટ દ્વારા આ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીના ભાગરૂપે ગિરનાર રોપ-વે સેવા આગામી ૨ જૂનથી ૧૦ જૂન ૨૦૨૬ સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય ગિરનાર રોપ-વે મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન રોપ-વેની તમામ સેવાઓ બંધ રહેશે, જેના કારણે શ્રદ્ધાળુઓને અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. સંચાલકોએ જણાવ્યું હતું કે સુરક્ષા જાળવી રાખવા માટે આ ટેકનિકલ તપાસ અત્યંત આવશ્યક છે. આ દિવસો દરમિયાન રોપ-વેની સુવિધા ઉપલબ્ધ ન રહેવાને કારણે થતી અસુવિધા બદલ મેનેજમેન્ટ દ્વારા દિલગીરી વ્યક્ત કરવામાં આવી છે.