કાળઝાળ ગરમીમાં મચ્છરોનો આતંક: રાજકોટમાં 1564 કેસ
=> સપ્તાહમાં રોગચાળાના કેસમાં સામાન્ય ઘટાડો છતાં મચ્છરોના ઉપદ્રવ બદલ 189 આસામીને નોટીસ ફટકારાઈ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ડેન્ગ્યુના છુટક કેસ નોંધાતા રહે છે. છેલ્લા અઠવાડિયામાં ડેન્ગ્યુ સાથે ટાઈફોઈડ અને કમળાના પણ નવા કેસ ચોપડે ચડ્યા છે. એકંદરે અગાઉના અઠવાડિયાની સરખામણીએ દર્દીઓની સંખ્યા સામાન્ય ઘટવા છતાં રોગચાળાના કુલ ૧૫૬૪ દર્દી નોંધાયા છે. આરોગ્ય અને મેલેરીયા શાખાએ જાહેર કરેલી વિગત મુજબ તા.૧૮ થી ૨૪-૫ના અઠવાડિયામાં ડેન્ગ્યુનો એક કેસ આવ્યો છે. તો મેલેરીયા અને ચીકનગુનીયાના કોઈ કેસ લાંબા સમયથી આવ્યા નથી.
સીઝનલ રોગચાળા પર નજર કરીએ તો શરદી-ઉધરસના ૫૦૬, સામાન્ય તાવના ૭૨૭, ઝાડા-ઉલ્ટી ૩૨૭ કેસ આવ્યા છે. ભારે ગરમીમાં પણ મચ્છરજન્ય ટાઈફોઈડ તાવનો એક અને કમળા તાવના બે દર્દી નોંધાયા છે. આ રીતે આકરા તાપમાં પણ અલગ અલગ વિસ્તારોમાં મચ્છરજન્ય રોગના કેસ આવી રહ્યા છે. ખોરાક અને પાણીજન્ય રોગચાળાના કેસ ઉપર પણ નજર રાખવા પાણીના ૨૯૫૩ નમુનાના ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
=> રોગચાળા બાબતે આરોગ્ય શાખાએ શું કહ્યું ?
આરોગ્ય શાખાએ જણાવ્યું હતું કે, ડેંગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થળોએ આવા રોગ ફેલાવવાનો જોખમ વધુ રહે છે. જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ સપ્તાહમાં ૧૮૨૬૧ ઘરોમાં પોરાનાશક તથા ફિલ્ડવર્કરો દ્વારા ૧૭૧ ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
શહેરમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેક્સ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળે ત્યાં દંડની કાર્યવાહી ચાલુ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૪૨૧ મિલકતોમાં મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ કરવામાં આવી હતી. જેમાં મચ્છર ઉત્પત્તિ બદલ રહેણાંકમાં ૧૪૬ અને કોમર્શીયલમાં ૪૩ આસામીને નોટીસ આપવામાં આવ્યાનું મેલેરીયા શાખાએ જણાવ્યું હતું.