Loading Please Wait !!!
રાજકોટમાં 3 MRF સેન્ટર શરૂ થશે

=> નાકરાવાડીમાં કચરાનાં ઢગલા ઓછા કર્યાનો મનપાનો દાવો

સિટી ન્યૂઝ@રાજકોટ

કેન્દ્ર સરકાર દ્વારા દરવર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવે છે. જેમાં જુદા-જુદા શહેરોને નંબર આપવામાં આવે છે. ગત વર્ષે યોજાયેલી સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધામાં રાજકોટે જોરદાર હનુમાન કુદકો લગાવીને ૭૯માં નંબરમાંથી સીધો ૧૯મો નંબર મેળવ્યો હતો. હવે આગામી મહિનાઓમાં આ સર્વેક્ષણનું પરિણામ જાહેર થવાનું છે, ત્યારે રાજકોટને દેશના ટોપ-૧૦ શહેરોમાં સ્થાન મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

જેમાં ૧૭ કરોડથી વધુના ખર્ચે ૩ MRF(મટીરીયલ રિકવરી ફેસિલીટી) સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. આ પૈકી ૨ સેન્ટરો તો કાર્યરત થઈ ચૂક્યા છે. અને ત્રીજા સેન્ટરની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેમાં કચરાનું વર્ગીકરણ કરી તેમાંથી ખાતર સહિતની ઉપયોગી વસ્તુઓ બનાવવામાં આવશે.

રાજકોટ મનપાના પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૬ના કડક અમલીકરણ માટે સતત મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારત અને ગુજરાત સરકારની માર્ગદર્શિકા હેઠળ કચરાનું સેગ્રીગેશન (અલગ) કરવું, BWG (બલ્ક વેસ્ટ જનરેટર)નું રજીસ્ટ્રેશન કરવું અને કચરાનું યોગ્ય પ્રોસેસિંગ કરીને લેન્ડફિલ સાઈટ પર ઝીરો વેસ્ટ જાય તે દિશામાં નક્કર કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેરમાં કુલ ૪૫૦ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા ૩ MRF (મટીરીયલ રિકવરી ફેસિલીટી) સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. આ ત્રણેય સેન્ટરોના કન્સ્ટ્રક્શન અને મશીનરી સહિતનો કુલ અંદાજિત ખર્ચ રૂ. ૧૭ કરોડ ૯૦ લાખ (એક સેન્ટરનો આશરે ખર્ચ રૂ. ૫ કરોડ ૯૦ લાખ) થશે. આ સેન્ટરોમાં કન્સ્ટ્રક્શન અને મશીનરીની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે અને આગામી ટૂંક સમયમાં જ તેને સત્તાવાર રીતે કાર્યરત કરવામાં આવશે.

MRF એટલે કે મટીરીયલ રિકવરી ફેસિલીટી સેન્ટરનો મુખ્ય ફાયદો એ થશે કે શહેરમાંથી એકઠા થતા કચરામાંથી વેચી શકાય તેવી તેમજ રિસાયકલ અને રીયુઝ થઈ શકે તેવી વસ્તુઓને અલગ કરીને રિકવર કરવામાં આવશે. આ સેન્ટરો પર પ્લાસ્ટિક, કાચ, પૂંઠાં વગેરે જેવી સામગ્રીને અલગ તારવવામાં આવશે.