દુષ્કર્મ બાદ ફરિયાદીની હત્યાના ગુનામાં ફરાર બેલડી અંતે અમીરગઢથી ઝડપાઈ
=> રેન્જ આઈજી દ્વારા રચાયેલી ટીમનો રાજસ્થાન બોર્ડર પાસે બાતમી આધારે દરોડો
=> હત્યાને અંજામ આપવા કચ્છથી ખોટી નંબર પ્લેટ લગાવેલી કાર લઈ રાજકોટ આવ્યા હતા
સિટી ન્યૂઝ@રાજકોટ
પડધરી પંથકમાં દુષ્કર્મ અને હત્યાના ગુનામાં પોલીસથી બચવા રાજસ્થાન અને મનાલીની હોટલમાં કૂક અને મજૂરી કામ કરતા હતા અને મોબાઈલ બંધ કરી દીધા હતા અને અન્ય લોકોના મોબાઈલમાં પરીચીતો પાસે પૈસા ટ્રાન્સફર કરાવતા હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવતા એસપી. વિજયસિંહ ગુર્જરેએ જણાવ્યુ હતુ કે બન્ને આરોપી પાસેથી મોબાઈલ, બે કાર તેમજ શંકાસ્પદ પરીચીતોના મોબાઈલ કબજે કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
જેમા આરોપીઓને મદદ કરનાર કોઈને છોડવામાં નહીં આવે. રાજકોટના પડધરી પંથકના દુષ્કર્મ અને પોકસો કેસના ફરિયાદી યુવકની ઘાતકી હત્યા કરવાના મામલે છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા બે મુખ્ય આરોપીઓ મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજાને જીલ્લા પોલીસની ટીમે રાજસ્થાન બોર્ડર પાસેથી ઝડપી લઈ વિશેષ પુછતાછ કરતા બન્ને આરોપીઓ રાજસ્થાન અને મનાલીમાં છુપાયા હતા અને કેસમાં સમાધાનના મામલે યુવકની હત્યા કરી પરત રાજસ્થાન નાસી છુટે તે પુર્વે જ પોલીસની ટીમે દબોચી લીધા હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પડધરીના ખાખડાબેલા ગામે રહેતા યુવરાજસિંહ જાડેજા તેની મહિલા મિત્ર સાથે પોતાની કાર લઈને પડધરી તાલુકાના પોતાના ગામે જઈ રહ્યા હતા, ત્યારે આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે તેમની હેરિયર કાર સાથે પોતાની કાર ભટકાવી દીધી હતી. અકસ્માત સર્જ્યા બાદ આવેશમાં આવીને આરોપીઓએ યુવક પર છરીના આડેધડ એક પછી એક ૯ જેટલા ઘા ઝીંકીને તેને જાહેરમાં હત્યા કરી ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી આ ચકચારી હત્યા કેસમાં પોલીસની ગંભીર બેદરકારી પણ સામે આવી હતી, કારણ કે મૃતક યુવકે અગાઉથી જ પોતાના જીવનું જોખમ હોવા અંગે પડધરી પોલીસ સ્ટેશનમાં લેખીતમાં ફરીયાદ કરી હતી. તેમ છતાં પોલીસે યોગ્ય પગલાં ન લેતા ફરિયાદીની હત્યા થઈ ગઈ હતી.
આ સમગ્ર મામલાને અત્યંત ગંભીરતાથી લઈને રેન્જ ડીઆઇજી નિલેશ રાયએ તાત્કાલિક અસરથી બે પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સહિત ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. રેન્જ આઈજીના આ કડક આદેશ બાદ દોડતી થયેલી પોલીસે આરોપીઓને પકડવા માટે એસપી વિજયસિંહ ગુર્જર અને ડીવાયએસપી સિમરન ભારદ્વાજના સુપરવિઝન હેઠળ ૩ પીઆઈ, ૩ પીએસઆઈ સહિત ૧૦૦ જેટલા પોલીસ જવાનોની એક ખાસ ટીમ બનાવી હતી. ટેકનિકલ સોર્સ અને ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાજસ્થાન સરહદ નજીકથી ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને દબોચી લીધા હતા.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ખનીજચોરી, દુષ્કર્મ અને પોકસો હેઠળ અલગ-અલગ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આ હત્યાના ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બ્રેઝા કાર તેઓ કચ્છના ગાંધીધામ ખાતેથી કાનાભાઈ આહીર પાસેથી લાવ્યા હતા અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે અસલી નંબર પ્લેટ કાઢીને ખોટી નંબર પ્લેટ લગાવી દીધી હતી.
છેલ્લા બે વર્ષ દરમિયાન પોલીસ પકડથી બચવા માટે આરોપીઓ રાજસ્થાન, હરિયાણા અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં આશરો લેતા હતા અને પોતાના મોબાઈલ ફોનનો બિલકુલ ઉપયોગ કરતા નહોતા. તેઓ હોટલોમાં વેઈટર કે સફાઈ કર્મચારી તરીકે નાનું-મોટું કામ કરીને ગુજરાન ચલાવતા હતા અને માત્ર જરૂર પડે ત્યારે જ મિત્રોના ફોનથી સંપર્ક કરી પૈસા મંગાવતા હતા. હાલ પોલીસે હત્યાના ગુનામાં બંનેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.