Loading Please Wait !!!
રાજકોટમાં ફિરોજ સંધિ ‘દારૂ’ વર્ષોથી કોના આર્શીવાદથી વેંચતો હતો?

SMCએ દરોડો પાડી રાજકોટ પોલીસનું ‘સ્ટિંગ’ વિખી નાખ્યું

શું રાજકોટ શહેરમાં બૂટલેગરોને મૌખિક મંજૂરીથી છૂટછાટ આપવામાં આવી છે?

  • શુક્રવારે કુવાડવા રોડ ઉપરથી સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં 1 કરોડનો દારૂ પકડાયો

છ આંગળી અલ્તાફની જેમ જ ફિરોજની ડાયરી ખૂલે તો અનેક પોલીસ કર્મચારીના ‘કાંડ’ બહાર આવી શકે?

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં દારૂના ગેરકાયદે વેપાર વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવેલા દરોડા દરમિયાન ૭૦ લાખથી વધુનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન દારૂ સાથે બે વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે, જેથી કુલ મળીને આશરે એક કરોડ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે. આ કેસમાં પરેશ પટેલ નામના વ્યક્તિને ઝડપી પાડી કુવાડવા રોડ પોલીસને સોંપવામાં આવ્યો છે, જ્યારે આ પ્રકરણમાં સંકળાયેલા અન્ય છ આરોપીઓ હાલ ફરાર હોવાનું જાણવા મળે છે અને તેમની શોધખોળ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં કાર્યરત એક જાણીતા લિસ્ટેડ બૂટલેગર ફિરોજ સંધિ દ્વારા મંગાવવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે મહત્વની વાત એ છે કે આટલી મોટી માત્રામાં દારૂ શહેરમાં પ્રવેશી ગયો હોવા છતાં સ્થાનિક પોલીસને તેની જાણ ન હોવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી બાદ શહેર પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ સમગ્ર કાંડમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. અંદાજે ૬ મહિના પહેલા કેટલાક વિસ્તારોમાં દારૂના જથ્થાને ઉતારવા માટે મૌખિક મંજૂરી આપવામાં આવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સાથે જ, માલ ઉતારવા માટે ચોક્કસ રકમ નક્કી કરવામાં આવી હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. આ બાબતે જો નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તો વધુ મહત્વપૂર્ણ પુરાવા સામે આવી શકે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

તપાસમાં એક અન્ય દિશા પણ સામે આવી રહી છે, જેમાં એક શખ્સ નિયમિત રીતે રાજકોટમાં લક્ઝરી કાર સાથે અવરજવર કરતો હોવાની માહિતી મળી રહી છે, તેના સંબંધો અને દાવાઓ અંગે પણ ચર્ચા ચાલી રહી છે, જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિ બાકી છે. આગામી દિવસોમાં તપાસ વધુ તેજ બનવાની શક્યતા છે અને ફરાર આરોપીઓ ઝડપાશે તેવા સંકેતો મળી રહ્યા છે. આ સમગ્ર ઘટનાએ રાજકોટ શહેરમાં દારૂના ગેરકાયદે ધંધા અને તંત્રની કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.