ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને દિલ્હીનું તેડું: કેબિનેટ બેઠક મોકૂફ
- નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રવાના, મુખ્યમંત્રી આવતીકાલ સુધીમાં પહોંચશે
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આજે (૯ જૂન) દિલ્હી પહોંચી ગયા છે, જ્યારે મુખ્યમંત્રી આવતીકાલે (૧૦ જૂન) વહેલી સવારે દિલ્હી જવાના છે. આગામી બે દિવસ દરમિયાન દિલ્હીમાં યોજાનારી મહત્વપૂર્ણ બેઠકો અને કાર્યક્રમોમાં ગુજરાત સરકાર સક્રિય ભાગ લેશે. દિલ્હી પ્રવાસને કારણે મુખ્યમંત્રીની મંગળવાર અને બુધવારની જનતા તથા જનપ્રતિનિધિઓ સાથેની મુલાકાતો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત, બુધવારે યોજાનારી રાજ્ય કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી છે. પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાજરી આપશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત થવાની સંભાવના છે. ૧૧ જૂને યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ગુજરાત સરકાર રાજ્યના વિકાસ માટેનો રોડમેપ રજૂ કરશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક વિકાસ, રોકાણ, કૃષિ અને ટેકનોલોજી આધારિત સુશાસન સહિતના વિવિધ ક્ષેત્રોની યોજનાઓ કેન્દ્ર સમક્ષ રજૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં તાજેતરમાં કચ્છના હરામીનાળા વિસ્તારની તેમની મુલાકાત દરમિયાન આપવામાં આવેલા સૂચનો અંગે ચર્ચા થઈ શકે છે. સરહદી સુરક્ષા, વિકાસલક્ષી કામગીરી, સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ મજબૂત બનાવવા અને સુરતના ચર્ચિત એવા ભુતિયા ડિમોલિશન જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા વિચારણા થવાની શક્યતા છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, આંતરિક સુરક્ષા અને ઓપરેશન ડેલ્ટા હન્ટ અંગે પણ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે ચર્ચા થવાની સંભાવના છે. દિલ્હીમાં યોજાનારી આ બેઠકોને રાજ્ય સરકાર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે વિકાસ, સુરક્ષા અને વહીવટી મુદ્દાઓ પર આગામી સમયના નિર્ણયો માટે આ ચર્ચાઓ મહત્વની સાબિત થઈ શકે છે.