Loading Please Wait !!!
કોંગ્રેસનું મિશન ગુજરાત; 50 સંભવિત ઉમેદવારોને અત્યારથી ગ્રાઉન્ડ લેવલે સક્રિય કરવાની રણનીતિ !

  • ગુજરાતમાં કોંગ્રેસને બેઠું કરવા દિલ્હીથી ઘડાઈ નવી બ્લૂ પ્રિન્ટ
  • કર્ણાટક-તેલંગણામાં કોંગ્રેસને વિજય અપાવનાર પ્રખ્યાત ઈલેક્શન સ્ટ્રેટેજિસ્ટ સુનિલ કાનુગોલુને ગુજરાતની જવાબદારી સોંપાઈ
સિટી ન્યૂઝ@નવીદિલ્હી

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસને પુનઃ જીવિત કરવા માટે એક નવી 'બ્લૂ પ્રિન્ટ' તૈયાર કરવામાં આવી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે અત્યારથી જ આગોતરું આયોજન શરૂ કરી દીધું છે અને 'મિશન ગુજરાત' હેઠળ પાર્ટી સંપૂર્ણપણે ઇલેક્શન મોડમાં આવી ગઈ છે. ખાસ કરીને, કર્ણાટક અને તેલંગણામાં કોંગ્રેસને ભવ્ય વિજય અપાવનાર માસ્ટર ગાઇડિક અને પ્રખ્યાત ઇલેક્શન સ્ટ્રેટેજિસ્ટ સુનિલ કાનુગોલુને હવે ગુજરાત કોંગ્રેસની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની એન્ટ્રી સાથે જ પાર્ટીમાં નવો પ્રાણ ફૂંકાયો છે અને પ્રદેશના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણીમાં મજબૂત પકડ બનાવવાના ભાગરૂપે ટૂંક જ સમયમાં સમગ્ર પ્રદેશ માળખાને નવો ઓપ આપવામાં આવશે. આ ઉપરાંત, ૫૦ જેટલા સંભવિત ઉમેદવારોને એક ચોક્કસ 'રોડમેપ' આપીને તેમને અત્યારથી જ ગ્રાઉન્ડ લેવલ પર સક્રિય કરવાની રણનીતિ પણ ઘડી કાઢવામાં આવી છે. ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે હાઈકમાન્ડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખાને નવો ઓપ આપવા જઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાલુ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં જ સંગઠનમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. કાર્યકારી અધ્યક્ષથી લઈને વિવિધ મોરચાના અધ્યક્ષ પદે નવા અને સક્રિય ચહેરાઓની નિમણૂક કરવામાં આવશે. માત્ર હોદ્દા ભોગવતા અને નિષ્ક્રિય નેતાઓને પડતા મૂકીને પક્ષને વફાદાર અને જમીન સાથે જોડાયેલા સનિષ્ઠ કાર્યકરોને સંગઠનમાં તક આપવામાં આવશે.

50 સંભવિત ઉમેદવારો માટે રોડમેપ તૈયાર

આ વખતે કોંગ્રેસ છેલ્લી ઘડીએ ટિકિટ વહેંચવાની પોતાની જૂની ભૂલનું પુનરાવર્તન કરવા માંગતી નથી. દિલ્હીથી મળતા સંકેતો મુજબ, ૨૦૧૭ અને ૨૦૨૨ની ચૂંટણીના પ્રદર્શનના આધારે પક્ષના મજબૂત એવા ૫૦ સક્ષમ અને સંભવિત ઉમેદવારોને અત્યારથી જ ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરવા જાનગીમાં સૂચના આપી દેવાશે. આ ઉમેદવારોને જીત માટેનો એક ચોક્કસ રોડમેપ આપવામાં આવશે, જેના આધારે તેમણે તૈયારી કરવાની રહેશે. હાઈકમાન્ડ આ તમામ ઉમેદવારોની કામગીરી પર સીધી વોચ રાખશે.

અમદાવાદ વિપક્ષનો નિર્ણય અંતિમ તબક્કામાં

ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં આંતરિક ખેંચતાણને કારણે અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસ હજુ વિપક્ષના નેતા નક્કી કરી શકી નથી. જોકે, ચાલુ માસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતાનું નામ ફાઇનલ થઈ જવાની શક્યતા છે. અમદાવાદમાં વિપક્ષના નેતા તરીકે નિરવ બક્ષીનું નામ લગભગ નિશ્ચિત મણાઈ રહ્યું છે. અમદાવાદ શહેરના કોંગ્રેસના ધારાસભ્યો પણ આ જ મત ધરાવતા હોવાથી હવે માત્ર રત્તાવાર જાહેરાતની જ औपचारिकતા બાકી છે.