ધોળકિયા સ્કૂલ બાદ હવે નારાયણ ઈ-ટેકનો સ્કૂલની દાદાગીરી !
=> સરકારના નિયમોને ઠેંગો : માન્ય એડમિશન હોવા છતાં પ્રવેશ નકારાયો
=> સ્કૂલનો કોટા પૂરો : ધોરણ-૧માં ભણતી દીકરીને RTE એડમિશન મળ્યું પણ સ્કૂલ ના પાડે છે
=> રાજકોટનાં ધારાસભ્યો હવે તો જાગો !
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને વધુ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શહેરની ખાનગી શાળાએ માન્ય એડમિટ કાર્ડ હોવા છતાં બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હોવાનો આક્ષેપ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રેલનગર વિસ્તારમાં રહેતી એક માતાએ પોતાના બાળકને ધોરણ-૧માં પ્રવેશ અપાવવા માટે શહેરની નારાયણ ઈ-ટેકનો સ્કૂલનો સંપર્ક કર્યો હતો. માતા પાસે સરકારના નિયમો મુજબ માન્ય એડમિટ કાર્ડ અને એલોટમેન્ટ લેટર હોવા છતાં શાળાના સંચાલકોએ “કોટા પૂર્ણ થઈ ગયો” કહીને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો.
માતાએ આ બાબતે શાળાની તરફથી લેખિત જવાબ માગ્યો હતો, પરંતુ શાળા સંચાલકોએ લેખિતમાં કંઈપણ આપવાનું ટાળ્યું હોવાનું જણાવાયું છે. આ ઘટનાને કારણે બાળકના ભવિષ્ય અને શૈક્ષણિક વર્ષ અંગે પરિવાર ચિંતિત બન્યો છે. આ મામલે માતાએ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીમાં લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. નિયમો મુજબ એડમિટ કાર્ડ ધરાવતા વિદ્યાર્થીને પ્રવેશ આપવો ફરજિયાત હોવા છતાં શાળાના આ વલણ પર પ્રશ્નો ઊભા થયા છે. હવે જોવાનું રહ્યું કે શિક્ષણ વિભાગ આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે અને બાળકને ન્યાય મળે છે કે નહીં.