Loading Please Wait !!!
ડામર રોડમાં અધિકારીઓનું 'સેટિંગ' જનરલ બોર્ડમાં ભાંડો ફૂટ્યો

 
  • 5 વર્ષની ગેરંટી સાથે બનેલા રોડમાં થયેલા નુકસાનનો રિપોર્ટ OK આવતા નગરસેવકો ગુસ્સે ભરાયા
  • રસ્તાના પ્રશ્ને કોંગ્રેસના નગરસેવકે ઉઠાવેલ પ્રશ્નમાં ભાજપના કોર્પોરેટરે કહ્યું અમે તમારી સાથે
સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ગેરેન્ટેડ રોડની કામગીરીને લઈને ભારે ઉહાપોહ સર્જાયો હતો. ૫ વર્ષની ગેરંટી સાથે બનાવાયેલા રસ્તાઓમાં નુકસાન થયું હોવા છતાં નોંધપાત્ર નુકસાન નથી તેવો રિપોર્ટ રજૂ થતાં વિપક્ષ તેમજ શાસક પક્ષના નગરસેવકોએ અધિકારીઓને ઘેર્યા હતા. વિપક્ષના નગરસેવક મનિષાબેને ગેરંટી પિરિયડવાળા રસ્તાઓની હાલત અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. જવાબમાં ઇન્ચાર્જ સિટી ઇજનેર અતુલ રાવલ તરફથી નાના-મોટા પેચવર્ક સિવાય નોંધપાત્ર નુકસાન ન હોવાનું જણાવાયું હતું. આ જવાબ સામે નગરસેવકોએ પોતાના વિસ્તારના રસ્તાઓની વાસ્તવિક સ્થિતિ રજૂ કરી હતી. ભાજપના નગરસેવકોએ પણ રસ્તાની સ્થિતિ અંગે કોંગ્રેસના નગરસેવકોને સમર્થન આપ્યું હતું, નગરસેવકોએ અધિકારીઓને સ્થળ પર આવી વાસ્તવિક સ્થિતિ જોવા પડકાર ફેંક્યો હતો.

રોડનો ખોટો રિપોર્ટ આપનાર સામે કડક પગલાં લેવા મેયરે કર્યો જાહેરમાં આદેશ

રસ્તાઓના સર્વે અંગે મેયર ડૉ. નેહલ શુક્લે પણ કડક વલણ અપનાવ્યું હતું. તેમણે રિપોર્ટ તૈયાર કરનારા ડેપ્યુટી ઇજનેરો સામે પગલાં લેવા અને આગામી જનરલ બોર્ડમાં લેવામાં આવેલા એકશનનો અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો. મેયરે સ્પષ્ટ કર્યું હતું કે જનરલ બોર્ડમાં નગરસેવકો દ્વારા ઉદ્દભવવામાં આવતા પ્રશ્નો માત્ર ચર્ચા પૂરતા ન રહે. આગામી બોર્ડ સુધીમાં પ્રશ્નોના નિરાકરણનો પ્રોગ્રેસ રિપોર્ટ ફરજિયાત રજૂ કરવાનો રહેશે.

રાત્રિ સફાઈના દોઢ કરોડના સ્વીપર વાન છ માસથી બગડેલા, મેયરને સભામાં અધિકારીઓ લીધો ઉઘડો

રાત્રિ સફાઈ અંગે પના જનરલ બોર્ડમાં સવાલો ઉઠ્યા હતા. શહેરમાં ૧૨ સ્વીપિંગ મશીન કાર્યરત છે, જ્યારે ૭૦.૨૦ લાખની કિંમતના ૨ મશીન છેલ્લા ૬ માસથી રિપેરિંગ માટે વર્કશોપમાં પડ્યા હોવાનું સામે આવ્યું હતું. બંને મશીનની કુલ કિંમત આશરે ૧.૪૦ કરોડ થાય છે. મશીન હજુ ૨ માસ સુધી રિપેર થઈ શકે તેમ હોવાનું જણાવાતા મેયરે નારાજગી વ્યક્ત કરી હતી અને તાત્કાલિક મશીન રિપેર નહીં થાય તો સંબંધિત એજન્સીને પેનલ્ટી ફટકારવાનો આદેશ આપ્યો હતો.

સિવિલથી AIIMS સુધી ખાસ સિટી બસ સેવા

સિિવલ હોસ્પિટલથી AIIMS સુધી દર્દીઓની સુવિધા માટે ખાસ સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. હાલ ૫૦ મિનિટના અંતરે બસ સેવા ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરિયાત મુજબ વધુ બસો શરૂ કરવાની તૈયારી પણ મનપાએ દર્શાવવી છે. સિિવલ હોસ્પિટલ પરિસરમાં AIIMS માટે રૂફટોપ સાથેનું અલગ બસ સ્ટેન્ડ બનાવવાનું આયોજન પણ છે.

RMCની હદ્દી વિકસતા વિસ્તારમાં નવા સિટી બસ રૂટ શરૂ થશે, 25 નવી બસ મગાવાઈ

મનપાની હદની બહાર વિકસતા વિસ્તારોમાં પણ સિટી બસ સેવા શરૂ કરવાની દિશામાં આયોજન ચાલી રહ્યું છે. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે મનપાની હદ્દી ૧૫ કિમી સુધી સિટી બસ ચલાવી શકાય છે. આવા વિસ્તારો માટે નવા રૂટ નક્કી કરી ૨૫ નવી બસો શરૂ કરવામાં આવશે. રાજકોટને કેન્દ્ર સરકાર તરફથી કુલ ૧૦૦ ઇલેક્ટ્રિક બસની મંજૂરી મળી હોવાનું પણ જણાવાયું હતું.

મનપાની લીગલ પેનલો ધકેલ પંચા જેવી! 812 કેસ કોર્ટમાં પેન્ડિંગ, ઝડપથી ચલાવવા ફોલોઅપનો અભાવ

મનપાની કાનૂની કામગીરી અંગે પણ જનરલ બોર્ડમાં સવાલો ઉઠ્યા હતા. મનપાની લીગલ પેનલમાં ૧૭ જાનની વકીલો હોવા છતાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, જિલ્લા કોર્ટ, લેબર, ટેક્સ અને ફુડ સહિતના કુલ ૭૧૨ કેસ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું હતું. પેન્ડિંગ કેસોનો ઝડપથી નિકાલ થાય તે માટે અસરકારક ફોલોઅપની જરૂરિયાત નગરસેવકોએ વ્યક્ત કરી હતી.

મોરબીના મેયર સહિતની ટીમ રાજકોટ મનપાની મુલાકાતે

મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ નવી બોડીના મેયર સહિત ૭થી ૭ નગરસેવકોની ટીમે રાજકોટ મનપાની મુલાકાત લીધી હતી. જનરલ બોર્ડની કામગીરી અને સભા કેવી રીતે સુધાર્યુ રીતે ચલાવવામાં આવે છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. મેયર ડૉ. નેહલ શુક્લે મોરબીના મેયરનું સ્વાગત કર્યું હતું.

આજી નદીમાં ગાંધીવેલ સામે અધિકારીઓની ‘નાદારી’!

આજી નદીમાં ફેલાયેલી ગાંધીવેલને લઈને નગરસેવક મકબુલ દાઉદાણીએ સવાલો ઉઠાવ્યા હતા. ગાંધીવેલ દૂર કરવા દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ કેમ આવતો નથી તેવો સવાલ કરાયો હતો. જવાબમાં અધિકારીએ ગાંધીવેલ દૂર કરવા બાદ ૬-૭ દિવસમાં ફરી ઉગી નીકળતી હોવાનું જણાવ્યું હતું.

કોર્પોરેટરોના પ્રશ્નોના નિરાકરણનો રિપોર્ટ નેક્સ્ટ બોર્ડમાં ફરજિયાત મુકવાનો : મેયરનો કડક આદેશ

મોટાભાગના નગરસેવકો તરફથી એવી ફરિયાદ સાંભળવા મળી છે કે, જનરલ બોર્ડમાં થતી ચર્ચા પૂરી થાય પછી અધિકારીઓ અભેરાઈએ ચડાવી દે છે. કોઈ પગલાં કે સૂચન મુજબ કામ થતા નથી. આવી વ્યાપક ફરિયાદોને ધ્યાને લઈને મેયર ડૉ.નેહલ શુક્લે એવો કડક આદેશ કર્યો હતો કે, સભામાં જે ચર્ચા થાય, સુચનો થાય તેનુ નિરાકરણ નેકસ્ટ બોર્ડ સુધીમાં લાવવુ, પ્રોગ્રેસ રિપોર્ટ નેકસ્ટ બોર્ડમાં ફરજિયાત મુકવાનો રહેશે.