ડાકોરના `ઠાકોર'ની ભક્તિ મોંઘી બની દર્શન હવે ખર્ચાળ: 11મેથી નવા ભાવ લાગુ
- તુલસી વિવાહ માટે ખર્ચવા પડશે 51 હજાર શિખર પર ધજા આરોહણ 610માંથી 2500 થયા 52 ગજની વિશેષ ધજાના 2500માંથી 11000 રાજભોગ મનોરથ માટે 3900માંથી 9345
સિટી ન્યૂઝ@અમદાવાદ : ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અને લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા ડાકોરમાં બિરાજતા રાજા રણછોડરાયજીના મંદિરમાં મનોરથ કરવા ઈચ્છતા ભક્તો પર મોટો આર્થિક બોજ આવી પડ્યો છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા મંદિરમાં થતી વિવિધ ધાર્મિક વિધિઓ, ધજા આરોહણ અને રાજભોગ જેવા મનોરથોના દરોમાં સીધો બમણો કે તેથી પણ વધુ વધારો ઝીંકી દેવામાં આવતાં ભક્તોમાં ભારે રોષ અને આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. મંદિરના સુવર્ણ શિખર પર ધજા ચઢાવવાનું ભક્તોમાં વિશેષ મહત્વ હોય છે. અત્યારસુધી આ આસ્થા માટે ભક્તોએ જે રકમ ચૂકવવી પડતી હતી, તેમાં મોટો તફાવત જોવા મળ્યો છે. ભગવાનને ધરાવવામાં આવતા રાજભોગ અને મંદિરમાં યોજાતા વિશેષ કુંજ મનોરથના ભાવમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
રાજભોગ સેવા: અગાઉ આ સેવા માટે 3,900 લેવામાં આવતા હતા, જે હવે વધારીને 9,345 કરી દેવામાં આવ્યા છે. કુંજ મનોરથ: ભક્તો જે કુંજ મનોરથ માટે 5,100 ચૂકવતા હતા, તેના માટે હવે ટેમ્પલ કમિટીએ 11,000નો દર નિર્ધારિત કર્યો છે.હિન્દુ ધર્મમાં તુલસીવિવાહનું અત્યંત મહત્વ છે અને અનેક શ્રદ્ધાળુઓ ડાકોરના ધામમાં આ વિધિ કરાવતા હોય છે. આ ધાર્મિક પ્રસંગ માટે અગાઉ 25,000નો ચાર્જ હતો, જે હવે સીધો ડબલ કરીને 51,000 કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ તમામ વધારો 11 મે 2026થી લાગુ થશે. ગરીબોના બેલી ગણાતા રણછોડરાયના દ્વારે અચાનક કરાયેલા આ ભાવવધારાને પગલે સોશિયલ મીડિયાથી લઈ મંદિર પરિસર સુધી ટીકાઓ થઈ રહી છે.ભક્તોનું કહેવું છે કે, ભક્તિ અને આસ્થાના વિષયમાં આટલો મોટો વ્યવસાયિક વધારો યોગ્ય નથી. સામાન્ય અને મધ્યમ વર્ગના ભક્તો જે વર્ષોથી પોતાની માનતા પૂરી કરવા આવતા હોય છે, તેમના માટે હવે આ મનોરથો કરવા આર્થિક રીતે કષ્ટદાયક બનશે.