લંગડા ઘોડા, અંદરની લડાઈ ગુજરાત કોંગ્રેસને ડૂબાડશે ?
=> સેમિફાઈનલમાં જ ગેમ સેટ ? 2027 માટે સંકેત સ્પષ્ટ
=> ગામડાઓમાં AAP નો ઉદય કોંગ્રેસ માટે ખતરાની ઘંટી
=> આપ પાર્ટી ગામડાઓમાં પોતાનું મજબૂત નેટવર્ક ઉભું કરી રહી છે.
=> કોંગ્રેસનો પરંપરાગત મતબેન્ક હવે આપ તરફ વળી રહ્યો છે.
=> સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના 700 જેટલા ઉમેદવારો હારી ગયા
=> ભાજપના ખોળે બેઠકો ધરી દેવાઈ હતી
=> 66 વર્ષ બાદ કોંગ્રેસ રાજ્યસભામાં નામશેષ થઈ
=> ગયા ૬૬ વર્ષમાં પહેલીવાર ગુજરાતમાંથી કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય રાજ્યસભામાં નથી.
=> લંગડા ઘોડા અને અંદરની લડાઈથી ભવિષ્ય અંધારું ?
=> ગૃપબાજી અને નેતૃત્વની ખોટ
=> સંગઠનની કમજોર સ્થિતિ
=> યુવા નેતાઓનો અભાવ
=> કાર્યકરોમાં નિરાશા અને નારાજગી
સિટી ન્યૂઝ@સુરત
૨૦૨૭ની વિધાનસભાની ફાઇનલ પહેલાંની સેમિફાઇનલમાં કોંગ્રેસનો કારમો રકાસ થયો છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને બાકાત કરીએ તો કોંગ્રેસને શહેરોમાં સમખાવા પૂરતી બેઠકો મળી છે. આપના ઉદય બાદ સત્તા વિરોધી મતો વહેંચાઈ જવાનો સીધો ફાયદો હવે ભાજપને મળી રહ્યો છે. ૨૦૨૭ પહેલાં પણ આ જ સ્થિતિ રહી તો ગુજરાતમાં આપનો ઉદય ભાજપ માટે ફાયદાનો સોદો અને કોંગ્રેસ માટે કડવા ડોઝ સમાન રહેશે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૯૫૦૦થી વધારે સીટો પર થયેલી ચૂંટણી બાદ વિપક્ષને માંડ ૨૫૦૦ની આસપાસ સીટો મળી છે અને ભાજપે પોતાનો ગુજરાતમાં દબદબો જાળવ્યો છે. એવું પણ નથી કે ગુજરાતમાં સત્તા સામે રોષ નથી પણ કોંગ્રેસ આ રોષને સમજવામાં અને ફાયદો ઉઠાવવામાં પાછળ રહી ગઈ છે એ વાસ્તવિકતા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ૭૦૦ જેટલા ઉમેદવારો પાણીમાં બેસી ગયા અને મેદાનમાં ઉતર્યા વિના જ આ બેઠકો ભાજપના ખોળે ધરી દેવાઈ હતી. જે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા તેમની સામે પગલાં ભરવા ઉપરાંત આવા લંગડા ઘોડા જેવા ઉમેદવારોના નામની ભલામણ જે કોઈ નેતાએ કરી હોય તેમની સામે પણ પગલાં ભરવા માટે કોંગ્રેસ ઉણી ઉતરી છે. નેતાઓ મામકાઓને સાચવવામાં પડ્યા છે એમાં કોંગ્રેસનો એકડો નીકળી રહ્યો છે. કોંગ્રેસના હાલના નેતાઓ ભલે દોડાદોડી કરી રહ્યાં છે પણ એનું રિઝલ્ટ આંકડાઓમાં દેખાઈ રહ્યું નથી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની આર્થિક રીતે સભર અગ્રણી માર્કેટ યાર્ડો પરથી રાજકીય પકડ ગુમાવી.પેટા-ચૂંટણીઓ : સિનિયર નેતાઓના પક્ષપલટા બાદ ખાલી પડેલી બેઠકોની પેટા-ચૂંટણીઓમાં પણ હારનો સામનો કરવો પડ્યો. ચર્ચા એવી પણ છે કે, જે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે તેઓએ મતદારોને અન્યાય નથી કર્યો, કોંગ્રેસમાં ટિકિટો અપાવવામાં જે ઉત્સાહી હતા તે હવે ભાગેડુ માનસિકતા બતાવી રહ્યા છે. એવી પણ ફરિયાદો સામે આવી છે કે, ગુજરાતમાં અનેક જગ્યાએ પસંદ કરાયેલા ઉમેદવારને બદલે માનીતાઓને બારોબાર મેન્ડેટ આપી દેવાયા હતા. આમ જે મજબૂત હતા અને ચૂંટણી લડવા માગતા હતા એવા ૫૦૦ નેતાઓના સપનાં ચકનાચૂર કરી દેવાયા છે. આ નેતાઓએ ભાજપને તારાક્રમાં ૭૦૦ સીટો ધરી દીધી છે. આ મામલે સ્થાનિક નેતાઓ તો શું દિલ્હી હાઈકમાન્ડ પણ ચૂપકીદી ધરીને બેઠું છે.તાજેતરમાં જ કોંગ્રેસે ચૂંટણીમાં બેદરકાર કેટલાક નેતાઓ સામે કાર્યવાહી કરી છે પણ શું પ્રદેશના નેતાઓ અને શહેર-જિલ્લા પ્રમુખોની કોઈ જવાબદારી નથી બનતી? ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ મામકાઓને સાચવવામાં મારા ફરતી વારો અને તારા પછી મારો એવી ગેમ રમી રહ્યાં છે. જેના કારણે કોંગ્રેસ પરથી ગુજરાતીઓનો ભરોસો ઉઠી રહ્યો છે અને ભરોસાની સરકારને નામે ગુજરાતમાં ભાજપ મજબૂત થઈ રહી છે એમાં કોંગ્રેસનો પણ એટલો જ હાથ છે.
=> 66 વર્ષ બાદ કોંગ્રેસ રાજ્યસભામાં નામશેષ થશે
વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો પાટીદાર આંદોલન સમયે કોંગ્રેસ પાસે એક તક હતી જેને તે સત્તામાં ન પરિવર્તિત કરી શકી પણ હવે ગુજરાતમાં ત્રિપાંખિયા જંગમાં આગામી એક દાયકામાં પોતાનું અસ્તિત્વ પૂરવાર કરવું પડશે નહીં તો આમ આદમી પાર્ટી વિપક્ષ બનીને રહી જશે કોંગ્રેસ કોરાણે મૂકાઈ જશે. ૨૦૨૨માં કોંગ્રેસ માત્ર ૧૭ બેઠકો જીતી શકી હતી. હવે આ સંખ્યા ઘટીને માત્ર ૧૨ રહી ગઈ છે. જેને પગલે આગામી રાજ્યસભા ચૂંટણી પ્રક્રિયા બાદ ગુજરાતમાંથી કોંગ્રેસનો એક પણ સાંસદ ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં રહેશે નહીં. આવું લગભગ ૬૬ વર્ષ બાદ થવા જઈ રહ્યું છે.
=> કોંગ્રેસ સત્તામાં ગુજરાતમાં વાપસી કરી શકી નથી
કોંગ્રેસનું નિશાન પંજાબું છે પણ આ પંજો ક્યારેય મુઠ્ઠી બની ન શકતાં છેલ્લા સાડા ૩ દાયકાથી કોંગ્રેસ સત્તામાં ગુજરાતમાં વાપસી કરી શકી નથી. રાહુલ ગાંધીએ રેસના ઘોડા અને લંગડા ઘોડાઓનો ટેગ તો આપી દીધા પણ ઘોડાઓની ઓળખ કરવામાં થાપ ખાઈ ગયા છે. ગુજરાતમાં કોંગ્રેસ પાસે નેતાઓ બહોળા એવું પણ નથી, આજે પણ ગુજરાતમાં ભાજપ એ કોંગ્રેસયુક્ત છે પણ પાર્ટીમાં અંદરોઅંદરની ખેંચતાણમાં કોંગ્રેસમાંથી કેટલાક સારા નેતાઓએ પાર્ટીને અલવિદા કરી દીધી છે.ગુજરાતમાં કોંગ્રેસ ૨૦૨૭ની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે પણ એમને વિચારવાની જરૂર છે કે કોંગ્રેસ ત્યારે જ ગુજરાતમાં બેઠી થશે જ્યારે દિયોદરની એક સભામાં મહિલા જેવા પક્ષમાં કર્મનિષ્ઠ કાર્યકરો કોંગ્રેસમાં હશે. જે કોઈ પણ લોભ, લાલચ કે ડર વિના ફક્ત પક્ષને વફાદાર બનીને ઉભી રહેશે.