કાયદાનું શાસન કે સત્તાનો ખેલ ?એકને સજા, બીજાને ક્લીનચિટ !
- રમેશ સવાણી
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા જિલ્લાની રાજપીપળા / નર્મદા સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ A.V. હીરપરાએ ૨૩ જૂન ૨૦૨૬ના રોજ ૭ વર્ષની સખત કેદ અને ૨૫,૦૦૦નો દંડની સજા કરી છે. આ સજા તેમના પત્ની શકુંતલાબેન વસાવા સહિત કુલ ૯ આરોપીઓને કરી છે. આ ઘટના ૩૦ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ બની હતી. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં તેમની સામે IPC કલમ- ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૮૬, ૧૮૯, ૩૩૨, ૩૫૩, ૩૮૬, ૨૯૪(b), ૫૦૬(૨), ૩૪ તથા Arms Act કલમ -૨૫(૧)(a) હેઠળ FIR થઈ હતી. ચૈતર વસાવા સામે વન વિભાગના અધિકારીઓને ઘરે બોલાવી મારપીટ કરવાનો, ધમકી આપવાનો, સરકારી ફરજમાં અવરોધ કરવાનો અને ખંડણી (extortion) માંગવાનો તથા હવામાં ગોળી ચલાવવાનો આરોપ હતો.આ સજા ૨ વર્ષથી વધુ હોવાથી તેમનું ધારાસભ્ય પદ આપોઆપ જ રદ થઈ ગયું છે. અપીલ માટે હાઈકોર્ટમાં જઈ શકે છે.
બીજી તરફ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની સામે સરકારે રાજદ્રોહનો કેસ પરત ખેંચતા કોર્ટે તેમને ક્લિન ચિટ આપી છે. અગાઉ તેમની સામેના કેસો સરકારે પરત ખેંચ્યા હતા.
થોડાં પ્રશ્નો:
[૧] હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી પાટલી બદલી ભાજપમાં જોડાતા કેસરિયા વોશિંગ મશીનથી રાજદ્રોહી મટી સજ્જન / દેવદૂત બની ગયા! જો ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં સામેલ થયા હોત તો કોર્ટે પુરાવાના અભાવે તેમને છોડી મૂક્યા હોત!
[૨] કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે ત્રણ મર્ડરનો આરોપ હતો અને તે કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને ગુજરાતમાંથી તડીપાર કરેલ હતા. બાદમાં ૨૦૧૪માં મોદીજી વડાપ્રધાન બનતા કોર્ટે તેમને ક્લીન ચિટ આપી! તે કેસમાં તપાસ એજન્સી CBIએ ઉપલી કોર્ટમાં અપીલ પણ ન કરી!
[૩] તમે સત્તાપક્ષ સાથે જોડાયેલા હો તો તમારી સામેના રાજદ્રોહના કેસ સરકાર પરત ખેંચી લે છે. તમે સત્તાપક્ષ સાથે જોડાયેલા હો તો તમારી સામેના હત્યાના કેસમાં કોર્ટ છોડી મૂકે છે અને તપાસ એજન્સી ઉપલી કોર્ટમાં અપીલ પણ કરતી નથી!
[૪] તમે મોદીજીના આલોચક હો તો કોર્ટમાં કેસ કઈ રીતે ચાલે છે? સંજીવ ભટ્ટ સામે, પાલનપુર નાર્કોટિક્સ પ્લાન્ટ કરવાનો કેસ હતો, સરકારને સંજીવ ભટ્ટને સજા કરવી જ હતી. એટલે આ નાર્કોટિક્સ જે પોલીસ ઈન્સ્પેક્ટરે પ્લાન્ટ કરેલ તેને જ આરોપીમાંથી સરકારી સાહેદ બનાવી દીધો! ગુજરાતના ઇતિહાસમાં આવો પ્રથમ કેસ છે જેમાં મુખ્ય આરોપીને સરકારી સાહેદ બનાવેલ હોય!
[૫] તમે ચોંકી જશો. મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને BJP કાર્યકર પ્રકાશ રવેશિયાની હત્યા છરા અને ગોળીથી ૧૬ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ થઈ હતી. ૨૦૦૪માં ગોંડલ સેશન્સ કોર્ટએ કાંતિ અમૃતિયા સહિત ૬ આરોપીઓને આજીવન કેદ અને દંડની સજા કરી હતી. ઓક્ટોબર ૨૦૦૭માં ગુજરાત હાઇકોર્ટએ તેમને નિર્દોષ ઠરાવ્યા. કેમકે મુખ્ય સાક્ષીઓ hostile થઈ ગયા હતા અને પુરાવામાં અસંગતતા હતી. ગુજરાત સરકારે હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી પરંતુ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો. પરંતુ ભાજપે કાંતિ અમૃતિયાને ટિકિટ આપી ધારાસભ્ય બનાવ્યા. એટલું જ નહીં, ઓક્ટોબર ૨૦૨૫થી તેઓ ગુજરાત સરકારમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ રાજ્યકક્ષાના મંત્રી છે. બોલો, કોઈ જાતની નૈતિકતા બચી છે?
[૬] જે ગુનો કરે તેને સજા થવી જોઈએ. પરંતુ થાય છે શું? કોને સજા થાય છે? જે સત્તા સામે બોલે તેને. વિપક્ષમાં હોય તેને. સત્તાપક્ષમાં હોય તેને કાયદો કંઈ કરી શકતો નથી! શું આને કાયદાનું શાસન કહેવાય કે મનસ્વીતાનું?