4.56 કરોડના 757 ચેકો રીટર્ન થતા મનપાની ટેક્સ શાખા લાલઘૂમ થઇ
સિટી ન્યૂઝ@અમદાવાદ : રાજકોટ મહાનગરપાલિકાના ખજાનામાં મિલકત વેરા પેટે જમા થયેલા કરોડો રૂપિયાના ચેકો વગર વસૂલાતે પરત ફરતા મનપાના તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. આર્થિક પારદર્શિતાના દાવાઓ વચ્ચે એકસાથે 757 જેટલા ચેકો બાઉન્સ થતા કમિશનરની સૂચનાથી ટેક્સ બ્રાન્ચ દ્વારા કસૂરવાર કરદાતાઓ સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
મિલકત વેરાના ચેકો રિટર્ન થવાની ઘટનાને મનપાએ અત્યંત ગંભીરતાથી લીધી છે. ટેક્સ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી તમામ 757 મિલકત ધારકોને કાયદેસરની લીગલ નોટિસ ફટકારવામાં આવી હતી. તંત્રના આ કડક વલણને પગલે કરચોરોમાં ફફડાટ ફેલાયો હતો. નોટિસની અસર એટલી તીવ્ર રહી કે 757 પૈકી 695 મિલકત ધારકોએ પેનલ્ટી અને કાયદેસરની ગૂંચવણથી બચવા માટે તાત્કાલિક મનપાની કચેરીએ દોડી જઈ પોતાની વેરાની રકમ રોકડમાં જમા કરાવી દીધી હતી.બીજી તરફ, મનપાની નોટિસ મળવા છતાં પણ જે મિલકત ધારકોએ હજુ સુધી વેરો ભરપાઈ કરવાની તસ્દી લીધી નથી, તેવા 62 બાકીદારો સામે મનપાએ આકરું વલણ અપનાવ્યું છે. આ આસામીઓ સામે 'નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ' (ચેક રિટર્ન) ની કલમો હેઠળ પોલીસ ફરિયાદ અને કોર્ટ કાર્યવાહી કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. મનપાની આ આક્રમક કાર્યવાહીને પગલે અન્ય વેરો ન ભરનારા તત્વોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ટેક્સ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ વેરાની વસૂલાત માટે આ પ્રકારની આકરી ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. ખાસ કરીને ચેક બાઉન્સના કિસ્સામાં કોઈ પણ પ્રકારની સાયબી કે શેહ-શરમ રાખ્યા વગર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.