Loading Please Wait !!!
નવું કૌભાંડ; 10નું બિસ્કિટ 65માં!

=> કલેક્ટરે કરેલા ડિમોલિશનમાં માર્ગ-મકાન વિભાગના ખર્ચા ચર્ચામાં

=> બ્રેકફાસ્ટના 2200, જ્યાં જોવો ત્યાં તોતિંગ કૌભાંડ :

=> પ્રજાને લૂંટવાનો કારસો કોર્પોરેશનની માફક ભવાડો થતો અટકાવવા દોડાદોડી,

=> અધિકારીઓએ મોઢા સિવી લીધા

 

સિટી ન્યૂઝ@રાજકોટ

 

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન દરમિયાન ખાણી પીણી અને ફોટો વિડિયોગ્રાફી માટે કરવામાં આવેલા લાખો રૂપિયાના ખર્ચાઓમાં ઉંચા ભાવ અને ભ્રષ્ટાચારના મામલે ભારે ઉહાપોહ મચ્યો છે અને કોર્પોરેશન તંત્ર ઉપર માછલા ધોવાઈ રહ્યા છે પરંતુ ‘કાગડા બધે કાળા’ કહેવત મુજબ જંગલેશ્વરમાં સરકારી જમીન ઉપરથી કલેક્ટરતંત્ર દ્વારા કરવામાં આવેલા મેગા ડિમોલિશન સમયે પણ માર્ગ અને મકાન વિભાગે ખાણી પીણીના ખર્ચ કરવામાં રાજકોટ કોર્પોરેશનને પણ પાછળ રાખી દીધાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. જો કે, કોર્પોરેશનનો મામલો સળગતો હોવાથી માર્ગ એન્ડ મકાન વિભાગના અધિકારીઓએ પોતાના ઉંચા ખર્ચા જાહેર થઈ જાય નહીં તે માટે ભારે દોડધામ શરૂ કરી દીધી છે.

કલેક્ટર તંત્ર દ્વારા જંગલેશ્વર સરકારી જમીનમાં કરવામાં આવેલા ડિમોલિશન દરમિયાન ખાણી પીણી સહિતની તમામ વ્યવસ્થા માર્ગ અને મકાન વિભાગ હસ્તક કરવામાં આવી હતી. પરંતુ માર્ગ એન્ડ મકાન વિભાગના રેટ કોન્ટ્રાક્ટનો રાજકોટ મહાનગરપાલિકા કરતાં પણ ઉંચા હોવાનું બહાર આવ્યું છે. અનેક આ રેટ કોન્ટ્રાક્ટના ભાવના આધારે જ તમામ સરકારી કાર્યક્રમોમાં ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ ‘ઈદ ચડ્યો તે ચોર’ કહેવત મુજબ માર્ગ અને મકાન વિભાગના ઉઘાડા ભ્રષ્ટાચાર તરફ કોઈનું ધ્યાન ગયું જ નથી અથવા તો જાણી જોઈને આંખ મીચામણા કરવામાં આવી રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન પાણીની રૂ. ૨.૫૦ થી રૂ. ૩ના બલ્ક ભાવથી મળતી બોટલનો ભાવ રૂ. ૮ ભર્યો છે. જ્યારે આ જ જમીન પૈકીની જમીન પર કલેક્ટરતંત્ર દ્વારા કરાયેલ ડિમોલિશન દરમિયાન માર્ગ અને મકાન વિભાગે પાણીની બોટલનો ભાવ રેટ કોન્ટ્રાક્ટ મુજબ રૂ. ૯ ભર્યો છે. માર્ગ અને મકાન વિભાગના રેટ કોન્ટ્રાક્ટ ઉપર નજર કરીએ તો પાણીની ૨૦૦ મી.લી.ની બોટલના રૂ. ૯ અને એક લિટરની બોટલનો ભાવ રૂ. ૧૯, હિમાલિયા વોટરનો એક લિટરનો ભાવ રૂ. ૭૦ અને ૫૦૦ મી.લી.નો ભાવ રૂ. ૫૫ દર્શાવ્યો છે તો પાણીના રૂ. ૨૫માં મળતા કેરબાનો ભાવ રૂ. ૪૫ છે.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે, એક પેપર ટિશ્યુનો રેટ કોન્ટ્રાક્ટ રૂ. ૨.૫૦ માં અપાયો છે. આ જ રીતે રૂ. ૧૦માં મળતા વિટા મેરીગોલ્ડ બિસ્કિટના રૂ. ૬૫ થી ૩૦, ન્યૂટ્રી ચોઈસ ડાયજેસ્ટીવ બિસ્કિટ જે બજારમાં રૂ. ૨૦ માં મળે છે તેના રૂ. ૧૦૦ અને રૂ. ૩૦ થી ૪૦ માં મળતા મેથીના ખાખરાના ૨૦૦ ગ્રામના પેકેટના રૂ. ૧૩૦ ના ભાવે રેટ કોન્ટ્રાક્ટ છે અને આ જ ભાવે સરકારી કાર્યક્રમોમાં પીરસાય છે ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે, કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવેલા ડિમોલિશન દરમિયાન માર્ગ અને મકાન વિભાગે ખાણી-પીણી અન્ય કેટલો ખર્ચ કર્યો ? તે અંગે કોઈ સ્પષ્ટ જવાબ અપાતું નથી અને સૌએ મોઢા સિવી લીધા છે.

માર્ગ અને મકાન વિભાગને રેટ કોન્ટ્રાક્ટ

આઈટમ બજાર ભાવ સરકારી ભાવ
વિટા મેરીગોલ્ડ બિસ્કિટ (54-78 ગ્રામ) રૂ. 10-12 રૂ. 54-70
ન્યૂ ટ્રી ચોઈસ ડાયજેસ્ટીવ બિસ્કિટ (100 ગ્રામ) રૂ. 20 રૂ. 100.00
મેથીના ખાખરા (200 ગ્રામ) રૂ. 30 થી 40 રૂ. 130
પાણીની બોટલ (200 એમ.એલ.) રૂ. 2.50-3.00 રૂ. 9
પાણી 1 લિટરની બોટલ રૂ. 10 રૂ. 19
પેપર નેપકીટ - રૂ. 2.50
બ્રેક ફાસ્ટ-હાઈટી ડીશ રૂ. 500 થી 600 રૂ. 2200
પી.વી.સી. ખુરશીનું ભાડુ (પ્રતિ નંગ દિવસ) - રૂ. 37 થી 57