ભાજપ ધારાસભ્યનું અપમાન; વોકઆઉટ સાથે રાજીનામાની ચીમકી !
- નાંદોદના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખને કડવો અનુભવ
- અપમાન થતાં ધારાસભ્ય ધરણા ઉપર બેસી ગયા તેના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા પણ ધરણામાં જોડાયા
- વડાપ્રધાન મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષ્યમાં આયોજિત 'પ્રબુદ્ધ નાગરિક સન્માન' કાર્યક્રમમાં ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું
સિટી ન્યૂઝ@ગાંધીનગર
રાજપીપળાના આંબેડકર હોલ ખાતે વડાપ્રધાનના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આયોજિત પ્રબુદ્ધ નાગરિક સન્માન કાર્યક્રમમાં નર્મદા જિલ્લા ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું છે. કાર્યક્રમ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખનું અપમાન થતાં અને પ્રોટોકોલ ન જળવાતાં તેઓ કાર્યક્રમ છોડીને બહાર નીકળી ગયા હતા. આટલું જ નહીં, તેઓ ઉગ્ર નારાજગી સાથે ગાંધી ચોક, વડીયા ખાતે ધરણાં પર બેસી ગયા છે, જ્યાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ તેમના સમર્થનમાં ધરણાંમાં જોડાયા છે.
મળતી માહિતી મુજબ, આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ વનમંત્રી ગણપતસિંહ વસાવા સહિતના અગ્રણીઓ હાજર હતા. કાર્યક્રમમાં સ્થાનિક મહિલા ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખનું યોગ્ય સ્વાગત કરવામાં આવ્યું ન હતું અને પ્રોટોકોલ જાળવવામાં આવ્યો ન હતો. સતત થઈ રહેલી ઉપેક્ષાથી નારાજ થઈને ધારાસભ્ય અધવચ્ચે જ કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા હતા. કાર્યક્રમમાંથી જતાં જતાં તેઓએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, મારું અપમાન કરવા માટે મને અહીંયા બોલાવો છો. હું ચૂંટણી જીતીને આવી છું, ઉપરથી પેરાગ્લાઈડિંગ કરીને નથી આવી. પ્રમુખના કહેવાથી જ મારું અપમાન થયું છે. શું ભારતીય જનતા પાર્ટીની આ જ શિસ્તબધ્ધતા છે. આ લોકોને આદિવાસી સમાજની કાંઈ જ પડી નથી.
ધરણાં પર બેઠેલા ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતાં ભાજપ સંગઠન અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ રાવ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મારું સતત અપમાન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના એક મોટા મંત્રીનું પીઠબળ હોવાને કારણે જિલ્લા પ્રમુખ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. લોકસભા કે અન્ય ચૂંટણીઓમાં સંગઠને પોતાની મનફાવતી વ્યક્તિઓને ટિકિટો વહેંચી દીધી અને મનમાની કરી, જેના કારણે જ આપણે ચૂંટણી હાર્યા છીએ.
ચૂંટણી દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે તેમના પર હાથ ઉઠાવ્યો હોવાના પ્રશ્નના જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે, એ શું મારા પર હાથ ઉઠાવે? એટલી તાકાત નથી. મારા પર હાથ ઉઠાવશે તો હું તેના હાથ ખેંચી નાખું. સાંસદના આ નિવેદનો બાદ નર્મદા જિલ્લાના રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ધારાસભ્યના સમર્થનમાં તાત્કાલિક દોડી આવેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ તેમની સાથે ધરણાં પર બેસી ગયા છે. સાંસદે આ મામલાને આદિવાસી અસ્મિતા સાથે જોડીને સંગઠન સામે મોરચો માંડ્યો છે.