Loading Please Wait !!!
બેટ દ્વારકામાં જમીન વિવાદ ટ્રસ્ટીઓની મુશ્કેલી વધી; માલિકીના પૂરાવા માંગ્યા

સરકારી ગૌચરની જમીન પર દબાણના આરોપ બાદ તપાસ તેજ

હેમંતસિંહ વાઢેર અને પ્રમોદભાઈ ભટ્ટને નગરપાલિકાની 7 દિવસમાં જમીન માલિકીના પૂરાવા રજૂ કરવા નોટિસ


સિટી ન્યૂઝ@દ્વારકા

યાત્રાધામ બેટ દ્વારકામાં સરકારી તથા ગૌચર જમીન પર કથિત દબાણ અંગે ઉચ્ચકક્ષાએ થયેલી ફરિયાદ બાદ તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરમાં આવી હોવાની ચર્ચા વચ્ચે હવે સમગ્ર ગાગલો વધુ ગંભીર બન્યો છે.

આ મામલે ઓખા નગરપાલિકા દ્વારા બેટ દ્વારકાના આગેવાનો હેમંતસિંહ વાઢેર અને પ્રમોદભાઈ ભટ્ટને અલગ-અલગ પત્રો પાઠવી તેમની મિલકત અંગેના આધાર-પુરાવા રજૂ કરવા જણાવવાનું છે. બંને વ્યક્તિઓ બેટ-દ્વારકા દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિ સાથે ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે.નગરપાલિકાના પત્રોમાં બેટ દ્વારકા વિસ્તારમાં સરકારી તથા ગૌચર જમીન અંગે થયેલી ફરિયાદના સંદર્ભમાં સંબંધિત મિલકતના માલિકી હક્કના પુરાવા, જમીન સંબંધિત દસ્તાવેજો તથા બાંધકામ/મંજૂરી સંબંધિત પુરાવા રજૂ કરવા જણાવાયું છે.આથી હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે શું જે વ્યક્તિઓ ધાર્મિક અને જાહેર મહત્વ ધરાવતા યાત્રાધામની દેવસ્થાન સમિતિમાં ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવે છે, તેમની પોતાની મિલકત અંગે જો સરકારી અથવા ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ સાબિત થાય તો તેમના ટ્રસ્ટીપદ અંગે પણ કોઈ કાર્યવાહી થશે કે નહીં?અહીં સ્પષ્ટ કરવું જરૂરી છે કે હાલ માત્ર ફરિયાદ અને તપાસની કાર્યવાહી ચાલી રહી છે. બંને વ્યક્તિઓ દોષિત છે એવું કોઈ અંતિમ નિર્ણય હજુ આવ્યો નથી. સંબંધિત દસ્તાવેજોની તપાસ અને

સત્તાવાર તપાસના અંતિમ પરિણામ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.પરંતુ જો સત્તાવાર તપાસમાં સરકારી કે ગૌચર  જમીન પર ગેરકાયદેસર દબાણ થયાનું સાબિત થાય, તો માત્ર દબાણ દૂર કરવાની કાર્યવાહી પૂરતી રહેશે કે નહીં, તે અંગે પણ હવે લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી તરીકે જાહેર વિશ્વાસ સાથે જોડાયેલા હોદ્દા પર તેમની સ્થિતિ અંગે પણ સંબંધિત સત્તાધારીઓએ નિયમો અને કાયદા મુજબ નિર્ણય લેવો જોઈએ તેવી માંગ ઉઠી શકે છે.

બેટ દ્વારકા માત્ર જમીનનો ટુકડો નથી; તે આસ્થા, વારસો અને જાહેર વિશ્વાસ સાથે જોડાયેલું યાત્રાધામ છે. તેથી સરકારી કે ગૌચર જમીન અંગે કોઈપણ પ્રકારના દબાણની ફરિયાદ હોય તો તપાસ પારદર્શક રીતે થાય અને કોઈપણ વ્યક્તિ--- તે ગમે તેટલા હોદ્દા પર હોય--- કાયદાથી ઉપર ન રહે, એવી લોકોની અપેક્ષા સ્વાભાવિક છે.

હવે જોવાનું એ રહેશે કે ઓખા નગરપાલિકા અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓની તપાસમાં શું હકીકત બહાર આવે છે અને જો દબાણ ગેરકાયદેસર સાબિત થાય તો જવાબદાર વ્યક્તિઓ સામે જમીન કાયદા ઉપરાંત દેવસ્થાન સમિતિના ટ્રસ્ટીપદ અંગે પણ નિયમસર કોઈ કાર્યવાહી થાય છે કે નહીં. બેટ દ્વારકાની સરકારી અને ગૌચર જમીન મામલે હવે દસ્તાવેજો બોલશે અને તપાસનું પરિણામ જ સત્ય નક્કી કરશે.