અમરેલી જિલ્લામાં 21 રસ્તાઓ બંધ
ખોડિયાર-ધાતરવડી ડેમ ઓવરફ્લો થતા નદીઓમાં પૂર; રોડ-રસ્તાના ટૂકડા થયા
સિટી ન્યૂઝ@અમરેલી
ધારી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ચોમેર પાણી-પાણી થઈ ગયું છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ ધારી પંથકમાં પડેલા ધોધમાર વરસાદને પગલે અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન અને જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની ભારે આવક થતાં તંત્ર દ્વારા તાબડતોબ પગલાં લેવામાં આવ્યા છે. ખોડિયાર ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાઈ જતાં ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૯ દરવાજા ૨.૪૩ મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખુલતા જ શેત્રુંજી નદીમાં વહેતા પાણીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને પંથકમાં અદભુત નજારો જોવા મળી રહ્યો છે. જોકે વહીવટી તંત્ર આ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ખોડિયાર ડેમમાંથી વ્યાપક પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી ડેમની નીચે આવતા અને નદી કિનારાના તમામ ગામોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં કે નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની સખત સૂચના આપવામાં આવી છે. તેમજ કોઈ અણબનાવ ન બને તે માટે લોકોને સાવચેત અને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
ખેતરોમાં પાણી, ખેડૂતોની ચિંતા વધી
સતત વરસાદના કારણે કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન
ગુજરાતને માથે જાણે આકાશી ઘાત જોવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૬૪ તાલુકામાં વરસાદ વરસ્યો છે. કુલ ૬૧ તાલુકામાં ૧ ઈંચથી ૧૧ ઈંચ સુધી વરસાદ પડ્યો. જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. હજુ ૭ દિવસ ભારે વરસાદની હવામાનની આગાહી.
અમરેલી જિલ્લામાં તો જાણે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. અન્નદાતાઓની હાલત કફોડી થઈ છે. અમરેલીના સાવરકુંડલાના ગામડાઓમાં કપાસ, મગફળીને નુકસાન થયું છે. નદીના પાણી ખેતરોમાં ફરી વળતા પાકને નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ફરી વળતા જમીન ધોવાઈ ગઈ છે. ખેડૂતો ચોધાર આંસુએ રડી પડ્યા છે. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં ગઈ કાલે અનરાધાર વરસાદ આવતા કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થયું છે.
જિલ્લાના ખારાપાટ વિસ્તારમાં ભારે વરસાદ અને નદીના વધેલા પાણીના પ્રવાહને કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો. અનેક ગામોના ખેતરોમાં પાણી ફરી વળતાં જમીન ધોવાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. જીલ્લાના અનેક ગામોના ખેતી વિસ્તારોમાં નદીના પાણી ઘૂસી જતાં ખેતરોમાં વાવેલા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદના કારણે ખેતરો ધોવાઈ જતાં ખેડૂતો દ્વારા કરાયેલ વાવેતર નિષ્ફળ. આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. અચાનક આવેલા પાણીના પ્રવાહે ખેતરો જ ધોઈ નાખતા બીજ સહિતનો પાક નષ્ટ થયો છે. ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું હોવાની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ ગ્રામ રક્ષક પાળો ન હોવાના કારણે વરસાદી પાણી ગામો અને ખેતી વિસ્તારોમાં ઘૂસી ગયા હતા.