વિશ્વ હોમિયોપેથી દિવસ: એલોપેથીના યુગમાં હોમિયોપેથીનો દબદબો વધ્યો, છેલ્લા 5 વર્ષમાં સારવાર લેનારાઓમાં 65% નો ઉછાળો!
- "સમઃ સમમ્ શમયતિ" – જર્મન ચિકિત્સક ડો. સેમ્યુઅલ હેનેમેનની પદ્ધતિ હવે લોકોની પહેલી પસંદ
- સુરતની 22 વર્ષીય યુવતીની સંઘર્ષગાથા – પેરાલિસિસ અને કોમામાંથી હોમિયોપેથીએ અપાવ્યું નવજીવન
- એનીમિયા અને જટિલ બીમારીઓમાં હોમિયોપેથી રામબાણ – નિષ્ણાત ડો. ચિંતન પચ્ચીગરનું વિશેષ વિશ્લેષણ
આજે 10 એપ્રિલ, 'વિશ્વ હોમિયોપેથી દિવસ' છે. 18મી સદીમાં જર્મન ચિકિત્સક ડો. સેમ્યુઅલ હેનેમેન દ્વારા વિકસાવવામાં આવેલી આ ચિકિત્સા પદ્ધતિ આજે 21મી સદીમાં ફરી એકવાર લોકપ્રિયતાના શિખરે પહોંચી છે. આધુનિક દવાઓની આડઅસરોથી બચવા માટે હવે લોકો હોમિયોપેથી તરફ વળી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા જોઈએ તો હોમિયોપેથી સારવાર લેનારા દર્દીઓમાં 60 થી 65 ટકાનો જંગી ઉછાળો આવ્યો છે.
હોમિયોપેથીના વધતા પ્રભાવ પાછળનું મુખ્ય કારણ તેની સર્વગ્રાહી અભિગમ છે. તે માત્ર રોગના લક્ષણો જ નહીં, પરંતુ દર્દીની માનસિક અને ભાવનાત્મક સ્થિતિને ધ્યાનમાં રાખીને સારવાર કરે છે. કોરોના મહામારી દરમિયાન હોમિયોપેથી દવાઓની અસરકારકતા સાબિત થયા બાદ આ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનો રસ પણ વધ્યો છે, પરિણામે કોલેજોની બેઠકોમાં 50 ટકાનો વધારો થયો છે.
મોતને હાથતાળી આપી પરત ફરી ખુશી: હોમિયોપેથીની તાકાતનો જીવંત પુરાવો સુરતની 22 વર્ષીય ખુશી છે. એનીમિયાને કારણે માત્ર 4 ટકા લોહી અને ત્યારબાદ પેરાલિસિસની ગંભીર સ્થિતિમાં પહોંચેલી ખુશીને અનેક હોસ્પિટલોએ જવાબ આપી દીધો હતો. 7-8 દિવસ કોમામાં રહ્યા બાદ તેણે હોમિયોપેથી સારવાર શરૂ કરી અને આજે તે સંપૂર્ણ સ્વસ્થ છે. ખુશી પોતે પણ હોમિયોપેથીની સ્ટુડન્ટ છે, જેણે આ પદ્ધતિ પરના અતૂટ વિશ્વાસથી મોતને મ્હાત આપી છે.
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં હોમિયોપેથી પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. ડો. ચિંતન પચ્ચીગર જણાવે છે કે, હોમિયોપેથી દવાઓ રોગને દબાવતી નથી પણ તેને જડમૂળથી દૂર કરે છે. આજના તણાવપૂર્ણ જીવનમાં શારીરિક અને માનસિક શાંતિ માટે હોમિયોપેથી એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે.