Loading Please Wait !!!
સુરેન્દ્રનગરના થાનમાં વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળાનો ભવ્ય પ્રારંભ

 

  • મેળામાં અઢીથી ત્રણ લાખ જેટલી જનમેદની ઉમટવાની સંભાવના

  • ભાઈઓ અને બહેનો માટે વિવિધ પરંપરાગત રમતો અને એથ્લેટિક્સ સ્પર્ધાઓ

  • વિજેતા ખેલાડીઓ માટે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામની જોગવાઈ

સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના થાનમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો આજથી (14 સપ્ટેમ્બર) ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે, જે આગામી 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ વર્ષે ‘સોડમ પુરાતન પાંચાળની’ થીમ પર યોજાઈ રહેલા આ મેળામાં લોકસંગીત, રાસ-ગરબા અને લોકસંસ્કૃતિની સાથે રમતગમતનો અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર અને સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા 21મી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરાયું છે, જેમાં દોડ, લાંબી કૂદ, કબડ્ડી, કુસ્તી ઉપરાંત બહેનો માટે માટલા દોડ અને ભાઈઓ માટે નારિયેળ ફેંક તથા ખાંડના લાડવા ખાવાની હરીફાઈ જેવી પરંપરાગત રમતો મુખ્ય આકર્ષણ બની છે. દરેક સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે.

મેળા દરમિયાન 14 થી 17 સપ્ટેમ્બર સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તારીખ 16 સપ્ટેમ્બરે ઋષિ પંચમીના દિવસે સવારે પૂ. નિર્મળાબા ઉનડબાપુના હસ્તે 52 ગજની ધજાનું ધ્વજારોહણ થશે અને રાત્રે લોકડાયરાનું આયોજન કરાયું છે. 17 સપ્ટેમ્બરે પૂર્ણાહુતિ થશે. ઉલ્લેખનીય છે કે તરણેતરનું નામ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલું છે; સ્કંદપુરાણ મુજબ ભગવાન વિષ્ણુએ અહીં શિવજીની તપસ્યા કરી પોતાનું નેત્ર અર્પણ કર્યું હતું, જેથી તેઓ ત્રિનેત્રેશ્વર કહેવાયા. આ ઉપરાંત, અહીં દ્રૌપદીના સ્વયંવરની મહાભારતકાલીન લોકવાયકા પણ પ્રચલિત છે.

લોકકલા અને ગ્રામીણ સંસ્કૃતિનો સંગમ

તરણેતરનો મેળો એ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ તે ઝાલાવાડની સમૃદ્ધ લોકકલા, પરંપરા અને ગ્રામીણ પ્રતિભાઓને વૈશ્વિક મંચ પૂરો પાડવાનું એક અનોખું માધ્યમ છે.