Loading Please Wait !!!
વડોદરામાં ઈલોરા ગુફાની અનુભૂતિ કરાવતું અદભુત ગણપતિ ડેકોરેશન

 

  • ઈલોરાની 16 નંબરની ઐતિહાસિક ગુફાથી પ્રેરિત છે આ ભવ્ય થીમ

  • 7 મહિના અગાઉથી શરૂ કરાયું હતું આયોજન અને નિર્માણ કાર્ય

  • અભિનેતા મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ લીધો મુખ દર્શનનો લહાવો

સિટી ન્યુઝ @ વડોદરા

રાજ્યભરમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે, ત્યારે વડોદરામાં પોલોગ્રાઉન્ડ પાસે આવેલી રાજસ્થંભ સોસાયટી દ્વારા ઈલોરાની ૧૬ નંબરની ગુફામાં આવેલા ઐતિહાસિક કૈલાસ મંદિરથી પ્રેરિત અનોખી થીમ પર ગણપતિનું ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ અદભુત કલાકૃતિને નિહાળવા માટે પ્રખ્યાત અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષીએ ખાસ હાજરી આપી હતી. બંને કલાકારો આ ગુફા અને શિલ્પ-સ્થાપત્યની અનુભૂતિ કરીને દંગ રહી ગયા હતા અને આયોજનની ભરપૂર પ્રશંસા કરી હતી.

શ્રી રાજસ્તંભ પરિવારના જણાવ્યા અનુસાર, છેલ્લા ૩૬ વર્ષથી અહીં ગણેશોત્સવ ઉજવાય છે અને આ વખતે વિસરાતી જતી આપણી વારસાગત કળાથી નવી પેઢીને માહિતગાર કરવાના હેતુથી આ થીમ તૈયાર કરાઈ છે. એક જ પર્વતને કોતરીને બનાવાયેલા આ કૈલાસ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવા માટે ૧૦૦થી વધુ સ્વયંસેવકો અને પ્રોફેશનલ આર્ટિસ્ટોએ અઢીથી ત્રણ મહિના સુધી સતત સખત મહેનત કરી છે. વડોદરામાં પહેલીવાર દર્શન કરવા આવેલા મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ જણાવ્યું હતું કે અહીંના લોકોનો પ્રેમ અને બાપ્પાની ભવ્ય પ્રતિમા તથા ડેકોરેશન જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયું છે.

કલા, સંસ્કૃતિ અને આસ્થાનો સંગમ

ગણેશોત્સવ જેવા પર્વો માત્ર ધાર્મિક આસ્થા પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે આપણી પ્રાચીન કલા, શિલ્પ અને સ્થાપત્યને ઉજાગર કરી યુવા પેઢીમાં સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદરભાવ જગાડવાનું પણ એક ઉત્તમ માધ્યમ બને છે.