રાજકોટમાં ‘નલ સે જલ’ના દાવા પોકળ: ઉનાળાના પ્રારંભે જ 28,000 થી વધુ ફ્લેટ ધારકો ટેન્કરના ભરોસે
-
રાજકોટના વેસ્ટ અને ઈસ્ટ ઝોનના અંદાજે 28,277 ફ્લેટ ધારકો હાલમાં સંપૂર્ણપણે ટેન્કર પર નિર્ભર છે.
-
દરરોજ સરેરાશ 3,60,000 લીટર પાણી ટેન્કર મારફતે પહોંચાડવામાં આવી રહ્યું છે.
-
રંગોલી પાર્ક જેવી આવાસ યોજનાઓમાં રહીશો છેલ્લા 10 વર્ષથી નળ કનેક્શનની રાહ જોઈ રહ્યા છે.
સ્માર્ટ સિટી રાજકોટમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની બૂમરાણ મચી ગઈ છે. મહાનગરપાલિકા ભલે 'નલ સે જલ' ના બણગા ફૂંકતી હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે શહેરના વેસ્ટ અને ઈસ્ટ ઝોનના છેવાડાના વિસ્તારોમાં આજે પણ હજારો લોકો પાણીના એક ટીપા માટે ટેન્કરની પ્રતીક્ષા કરી રહ્યા છે. આજી અને ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવ્યા હોવા છતાં, વિતરણ વ્યવસ્થાની ખામીને કારણે 28,277 ફ્લેટ ધારકોને ટેન્કરના સહારે રહેવું પડે છે.
વેસ્ટ ઝોનના અંદાજે 16 વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં દરરોજ 3.60 લાખ લીટર પાણી ટેન્કરથી મોકલાય છે. રંગોલી પાર્ક આવાસ યોજના, ગોકુલમ હાઉસિંગ અને સવન સ્ટેટસ જેવી સોસાયટીઓમાં વર્ષો જૂના બોર હવે ડૂકી ગયા છે અને ભૂગર્ભ જળસ્તર નીચે ઉતરી જવાથી લોકો લાચાર બન્યા છે. રહીશોનો આક્ષેપ છે કે તેઓ નિયમિત વેરો ભરે છે છતાં પાઈપલાઈનથી પાણી પહોંચાડવામાં મનપા નિષ્ફળ રહી છે.
બીજી તરફ, ઈસ્ટ ઝોનના વોર્ડ નં. 18 માં તો હજુ સુધી મુખ્ય પાઈપલાઈન જ પહોંચી નથી. મફતીયા પરા અને મંછાનગર જેવા વિસ્તારોમાં મહિલાઓને પીવાના પાણી માટે દૂર-દૂર સુધી ભટકવું પડે છે. રંગોલી પાર્ક સોસાયટીના પ્રમુખે જણાવ્યું કે, "અમે 10 વર્ષથી અહીં રહીએ છીએ છતાં હજુ સુધી અમને નળ કનેક્શન અપાયા નથી. ટેન્કર એ કોઈ કાયમી ઉકેલ નથી." જો એપ્રિલ મહિનામાં આ સ્થિતિ હોય, તો મે અને જૂન મહિનામાં પરિસ્થિતિ વધુ વણસવાની ભીતિ છે.
મનપા તંત્ર દ્વારા ટેન્કર માટેના ટેન્ડરો તો બહાર પડાયા છે, પરંતુ એજન્સીઓ સમયસર પાણી પહોંચાડતી નથી તેવી ફરિયાદો પણ ઉઠી છે. શહેરના ઝડપી વિસ્તરણ સામે એન્જિનિયરિંગ વિભાગની આયોજનલક્ષી નબળાઈને કારણે સામાન્ય નાગરિકોને આકરી ગરમીમાં પીસાવવાનો વારો આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે આ વિસ્તારોને ટેન્કરમુક્ત કરી કાયમી નળ કનેક્શન પૂરા પાડે છે.