Loading Please Wait !!!
કેશોદમાં જળસંકટનો હાહાકાર: 5 દિવસે આવતા ગંદા પાણીથી જનતા ત્રાહિમામ, ₹200 ખર્ચી ટેન્કર લેવા મજબૂરી!

  • "ચૂંટણી વખતે જ નેતાઓ દેખાય છે" - રોષે ભરાયેલા સ્થાનિકોએ તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
  • દુર્ગંધયુક્ત અને દૂષિત પાણીથી બીમારીનો ભય - ચીફ ઓફિસર મુકેશ વાઘેલાએ પાઇપલાઇનમાં ભંગાણનું આપ્યું કારણ
  • અઢી વર્ષથી બંધ પડેલા કૂવાને શરૂ કરવા માંગ - ચીફ ઓફિસરે ઓઝત નદીના પાણીની યોજનાના આપ્યા વાયદા

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કેશોદ શહેરમાં પીવાના પાણીની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં અત્યારે પાણીના એક-એક ટીપા માટે લોકોએ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ એકાંતરે મળતું પાણી હવે ૫ થી ૬ દિવસના લાંબા અંતરાલ બાદ માંડ એકવાર મળે છે, જેનો સમય પણ માત્ર ૩૦ થી ૪૫ મિનિટ જેટલો મર્યાદિત રહે છે.

પાણીના વિતરણમાં વિલંબની સાથે તેની ગુણવત્તા પણ અત્યંત ખરાબ હોવાનો આક્ષેપ રહીશો કરી રહ્યા છે. સ્થાનિક સુનીલભાઈએ જણાવ્યું કે, "જ્યારે પાંચ દિવસે પાણી આવે છે ત્યારે શરૂઆતની ૧૫ મિનિટ સુધી તો એટલું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવે છે કે તેનો ઉપયોગ રસોઈ તો ઠીક, નાહવા-ધોવામાં પણ થઈ શકતો નથી." આ સ્થિતિમાં મોટા પરિવારો માટે પૂરતું પાણી સંગ્રહવું મુશ્કેલ બન્યું છે. નેતાઓ માત્ર ચૂંટણી ટાણે વાયદા કરવા આવે છે પણ પાયાની સુવિધાઓ આપવા કોઈ ફરકતું નથી તેવો રોષ જનતા ઠાલવી રહી છે.

જળસંકટની સૌથી માઠી અસર ગૃહિણીઓ અને મધ્યમ વર્ગ પર પડી રહી છે. ઉર્મિલાબેન ખાનવાણીએ વ્યથા ઠાલવતા કહ્યું કે, "પાણી વગર ઘરના કામકાજ થંભી ગયા છે. મજબૂરીવશ એક ટાંકાના ૨૦૦ રૂપિયા આપી ખાનગી ટેન્કર મંગાવવા પડે છે. મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારો માટે અઠવાડિયે આટલો મોટો ખર્ચ કરવો અશક્ય છે." સ્થાનિકોની માંગ છે કે છેલ્લા અઢી વર્ષથી બંધ પડેલી 'મુંડિયા વાવ' ને ફરી શરૂ કરવામાં આવે તો ૫૦૦ થી ૬૦૦ લોકોનો પ્રશ્ન ઉકેલાઈ શકે છે.

આ અંગે કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ વાઘેલાએ જણાવ્યું હતું કે, અજાબ નજીક મુખ્ય લાઈનમાં ભંગાણ થવાથી રિપેરિંગમાં બે દિવસનો સમય લાગ્યો હતો, જેના કારણે વિતરણ ખોરવાયું હતું. ઉનાળામાં ભૂગર્ભ જળના સ્તર નીચા જતા બોરવેલ પણ પૂરતું પાણી આપી શકતા નથી. જોકે, હવે પાણી પુરવઠા વિભાગ પાસેથી વધારાના ૨ MLD પાણીની મંજૂરી મળી ગઈ છે, જેથી ટૂંક સમયમાં સ્થિતિ સુધરશે. લાંબા ગાળાના ઉકેલ તરીકે ઓઝત નદીના રો-વોટરને ફિલ્ટર કરી આપવાની યોજના પર કામ ચાલી રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

હાલમાં તો કેશોદની જનતા તંત્રના નવા વાયદાઓ અને અમલીકરણની ચાતક નજરે રાહ જોઈ રહી છે. શું તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે કે પછી જનતાએ આખો ઉનાળો આ જ રીતે પાણી માટે સંઘર્ષ કરવો પડશે?