Loading Please Wait !!!
વોર્ડ-16માં ચૂંટણી જંગ: જંગલેશ્વરનું 'ઐતિહાસિક ડિમોલિશન' ભાજપ માટે બનશે પડકાર કે વિકાસનું હથિયાર?

  • 1400 મકાનો તોડાતા બેઘર થયેલા લોકોમાં રોષ - ગંદા પાણી અને ઉભરાતી ગટરના મુદ્દે વિપક્ષોએ સરકારને ઘેરી
  • નીલકંઠ પાર્ક અને મેહુલનગરમાં મચ્છરોનો ત્રાસ - આજી GIDC ના બિસ્માર રસ્તાઓથી શ્રમિકો અને ઉદ્યોગકારો પરેશાન
  • પૂર્વ કોર્પોરેટર રૂચીતાબેન જોષીએ ગણાવ્યા વિકાસકામો - જનતા કહે છે, "ખાલી પતરાના શેડથી પેટ નહીં ભરાય"

રાજકોટ મહાનગરપાલિકાની ૨૦૨૬ની ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર 16 (કોઠારીયા રોડ, જંગલેશ્વર, આજી GIDC વિસ્તાર) માં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. 'દિવ્ય ભાસ્કર' ના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, સત્તાધારી ભાજપના વિકાસના દાવાઓ વચ્ચે જનતામાં અનેક પાયાના પ્રશ્નોને લઈને ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. આ વોર્ડમાં ખાસ કરીને જંગલેશ્વર વિસ્તારમાં થયેલું ૧૪૦૦ મકાનોનું ડિમોલિશન આગામી ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો બની રહેવાના એંધાણ છે.

વોર્ડના નીલકંઠ પાર્ક અને મેહુલનગર જેવા વિસ્તારોમાં લોકો ગંદા પાણી અને ઉભરાતી ગટરોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજી નદીના કાંઠા વિસ્તાર હોવાથી મચ્છરોનો ઉપદ્રવ પણ જીવલેણ બીમારીઓને આમંત્રણ આપી રહ્યો છે. રહીશોનું કહેવું છે કે, "જે નેતા પાણી, ડ્રેનેજ અને લાઈટના પ્રશ્નોને પ્રાયોરીટી આપશે, તેમને જ અમે પ્રાયોરીટી આપીશું." આજી GIDC અને સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ખરાબ રસ્તા અને પુલના અભાવે અવારનવાર અકસ્માતો સર્જાય છે, જે ઉદ્યોગકારો અને શ્રમિકો માટે માથાનો દુખાવો બન્યા છે.

બીજી તરફ, ભાજપના પૂર્વ કોર્પોરેટર રૂચીતાબેન જોષીએ તમામ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં વોર્ડમાં રસ્તા, લાઈટ અને પાણીની પૂરતી સુવિધા અપાઈ છે. તેમણે મંજુલાબેન જોષી ગાર્ડન અને આરોગ્ય કેન્દ્રના વિકાસને પોતાની મોટી સિદ્ધિ ગણાવી છે. જંગલેશ્વરના ડિમોલિશન અંગે તેમણે સ્પષ્ટતા કરી કે વર્ષ ૧૯૯૦ માં ટીપી રોડ ફાઈનલ થયો હોવાથી આ કામગીરી કરવી અનિવાર્ય હતી અને તે શાંતિપૂર્ણ રીતે પાર પડી છે.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ તકનો લાભ લઈ શાસક પક્ષને ઘેરવાનું શરૂ કર્યું છે. વિપક્ષોનો આરોપ છે કે ભાજપે માત્ર શો-પીસ જેવા કામો કર્યા છે, જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગની વસ્તી ધરાવતા આ વોર્ડમાં પીવાના શુદ્ધ પાણી અને ગટરની વ્યવસ્થા આજે પણ કથળેલી છે. અંકુર સોસાયટીના રહીશોમાં હજુ પણ મકાનો તૂટી પડવાનો ભય સતાવી રહ્યો છે, જેને કારણે ભાજપ માટે આ વિસ્તારમાં મતો મેળવવા લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે.

વોર્ડ-16 ના મતદારો હવે પક્ષના નામે નહીં પણ પાયાના પ્રશ્નો ઉકેલનાર ચહેરાને મત આપવાના મૂડમાં હોય તેવું ગ્રાઉન્ડ રિપોર્ટ પરથી સ્પષ્ટ જણાય છે. ૨૬ એપ્રિલે યોજાનારી ચૂંટણીમાં આજી કાંઠાના આ મતદારો કોના પર વિશ્વાસ મૂકે છે તે જોવું રસપ્રદ રહેશે.