ધોરણ દસમાં ડિસ્ટિંક્શન મેળવનાર વિદ્યાર્થીની પ્રેમમાં પડી
-
સ્નેપચેટ પર સગીર યુવક સાથે લાંબુ ચેટિંગ
-
આઈટીઆઈમાં અભ્યાસ કરતો હતો સગીર યુવક
-
કારકિર્દી બનાવવાની ઉંમરમાં લગ્નની ઘેલછા જાગી
સિટી ન્યુઝ @ વડોદરા
વડોદરાના દક્ષિણ વિસ્તારમાં એક અત્યંત ચિંતાજનક અને વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ધોરણ-10 ની પરીક્ષામાં ડિસ્ટિંક્શન મેળવીને તેજસ્વી કારકિર્દી બનાવી રહેલી એક હોશિયાર વિદ્યાર્થીની સ્નેપચેટ (Snapchat) ની લતમાં ફસાઈને એક સગીર યુવકના પ્રેમમાં આંધળી બની ગઈ છે. આ બંને કિશોરાવસ્થાના વિદ્યાર્થીઓએ અભ્યાસ પરથી ધ્યાન હટાવીને સીધા જ લગ્ન કરી લેવાની જીદ પકડી લેતા બંને પરિવારો ભારે મુશ્કેલી અને ચિંતામાં મુકાઈ ગયા હતા.
ઘટનાની વિગતો મુજબ, તેજસ્વી વિદ્યાર્થીની મોડી રાત સુધી મોબાઈલ પર સતત ચેટિંગ કરતી રહેતી હોવાથી માતા-પિતાને શંકા ગઈ હતી. જ્યારે તેમણે દીકરીનો મોબાઇલ ચેક કર્યો ત્યારે સ્નેપચેટ પર એક અજાણ્યા યુવક સાથેનું લાંબું અને અસંખ્ય ચેટિંગ નજરે પડ્યું હતું. ચોંકી ઉઠેલા માતા-પિતાએ વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે તે યુવક પણ સગીર છે અને આઈટીઆઈ (ITI) માં અભ્યાસ કરી રહ્યો છે, જેની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ગાઢ મિત્રતા બંધાઈ હતી.
માતા-પિતાએ દીકરીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ તેની કારકિર્દી બનાવવાની ઉંમર છે, પરંતુ તે સમજવાને બદલે સગીર યુવક સાથે જ લગ્ન કરવાની જીદ પર અડી બેઠી હતી. બીજી બાજુ, પેલા સગીર યુવકે પણ કોઈપણ જાતની પરિપક્વતા વગર લગ્ન કરવાની જીદ પકડી રાખતા બંને વિદ્યાર્થીઓના માતા-પિતા મૂંઝવણ અને હાડમારીની સ્થિતિમાં આવી ગયા હતા અને શું કરવું તે સૂઝતું નહોતું.
આ ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે આખરે વિદ્યાર્થીનીના પરિવારજનોએ મહિલા અને બાળ સુરક્ષા સાથે જોડાયેલી 'અભયમ' હેલ્પલાઇન ટીમની મદદ લીધી હતી. અભયમની કાઉન્સેલિંગ ટીમે બંને સગીર વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેમથી અને મનોવૈજ્ઞાનિક ઢંગથી સમજાવ્યા હતા કે આ ઉંમર પ્રેમ કે લગ્ન કરવાની નહીં, પરંતુ પોતાની ઉત્જ્વળ કારકિર્દી ઘડવાની છે.
અભયમ ટીમની સમજાવટ રંગ લાવી હતી અને અધિકારીઓએ તેમને જણાવ્યું હતું કે જો તેઓ યોગ્ય ઉંમરે પુખ્ત થશે ત્યારે પરિવાર તેમની ભવિષ્યની બાબતો પર ચોક્કસ વિચારણા કરશે. આ સચોટ માર્ગદર્શન બાદ બંને વિદ્યાર્થીઓ પોતાની ભૂલ સમજી ગયા હતા અને લગ્નની જીદ છોડીને ફરીથી પોતાના અભ્યાસ તથા કેરિયર પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા માટે સહર્ષ સંમત થયા હતા.
યુવાધન અને સોશિયલ મીડિયાનો અતિરેક
આજના સમયમાં સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનનો અતિરેક કિશોરોને ગેરમાર્ગે દોરી રહ્યો છે. યોગ્ય માર્ગદર્શન અને વાલીઓની સતર્કતાથી જ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય તરફ વાળી શકાય છે.