મિડલ ઈસ્ટમાં અમેરિકા દ્વારા સૈન્ય હાજરી વધારાઈ
-
યુએસએસ થિયોડોર રૂઝવેલ્ટ કેલિફોર્નિયાથી રવાના થયું
-
નવ હજારથી વધુ સૈનિકોની તૈનાતી કરાશે
-
કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ-નવ પણ સાથે સામેલ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ દિનપ્રતિદિન વધુ ગંભીર બની રહ્યો છે, તેવામાં પશ્ચિમ એશિયામાં અમેરિકાની સૈન્ય હાજરી મોટા પાયે વધવા જઈ રહી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે કોઈ મોટું સૈન્ય પગલું ભરવાની તૈયારી કરી રહ્યા છે, જેના ભાગરૂપે પેન્ટાગોને વધુ એક શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર યુએસએસ થિયોડોર રૂઝવેલ્ટને યુદ્ધજહાજોના વિશાળ જૂથ સાથે આ ક્ષેત્ર તરફ રવાના કરી દીધું છે.
ગત 27 સપ્ટેમ્બરે કેલિફોર્નિયાના સેન ડિયેગોથી રવાના થયેલું આ જહાજ અનેક નૌસૈનિકો સાથે નવેમ્બર સુધીમાં પશ્ચિમ એશિયા પહોંચી જશે. આ યુએસએસ થિયોડોર રૂઝવેલ્ટ સાથે કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ-9 પણ તૈનાત કરવામાં આવ્યું છે, જેમાં ફાઇટર પ્લેન અને અત્યાધુનિક સુરક્ષા પૂરી પાડનારા અન્ય યુદ્ધજહાજો પણ સામેલ છે. આ ઉપરાંત યુએસએસ મેકિન આઇલેન્ડ એમ્ફિબિયસ રેડી ગ્રુપ પણ આ ક્ષેત્ર તરફ આગળ વધી રહ્યું છે.
આ સમગ્ર સૈન્ય તૈનાતીમાં 7,000 થી વધુ નૌસૈનિકો અને આશરે 2,000 મરીન સૈનિકો સહિત કુલ 9,000 થી વધુ વધારાના સૈનિકો પશ્ચિમ એશિયામાં મોકલવામાં આવી રહ્યા છે. હાલ આ ક્ષેત્રમાં યુએસએસ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ અને યુએસએસ જ્યોર્જ વોશિંગ્ટન પહેલેથી જ હાજર છે, અને આ નવા જહાજના આગમનથી થોડા સમય માટે અમેરિકાના ત્રણ એરક્રાફ્ટ કેરિયર એકસાથે આ વિસ્તારમાં હાજર રહેશે.
આ તૈનાતીનો હેતુ કાયમી ધોરણે સૈન્ય તાકાત વધારવાનો છે કે પછી અગાઉના જૂના યુદ્ધજહાજોની જગ્યા નવા જહાજોને આપવાનો છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે, આ ભારી ભરખમ સૈન્ય જમાવટ એવા સમયે થઈ રહી છે જ્યારે ઈરાન સાથેના સંબંધો અત્યંત તંગ છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ફરી એકવાર મોટા યુદ્ધ કે સંઘર્ષની આશંકાઓ સેવાઈ રહી છે.
અમેરિકાના આ વધતા જતા નૌસૈનિક કાફલા અને સૈનિકોની કૂચથી મિડલ ઈસ્ટના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે. ઈરાન વિરુદ્ધ કોઈ મોટી સૈન્ય કાર્યવાહીની તૈયારી ચાલી રહી છે કે કેમ તે અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓનું જોર વધી ગયું છે, જે આગામી સમયમાં વૈશ્વિક શાંતિ માટે મોટો પડકાર બની શકે છે.
વૈશ્વિક રાજકારણ અને સૈન્ય તણાવ
મધ્ય પૂર્વમાં મહાસત્તાઓ દ્વારા વધારવામાં આવતી સૈન્ય શક્તિ વૈશ્વિક શાંતિ અને અર્થતંત્ર માટે જોખમી સાબિત થાય છે. રાજદ્વારી માર્ગો અપનાવીને તણાવ ઘટાડવો જ આખી દુનિયાના હિતમાં છે.