ગાંધી હોસ્પિટલના ઓડિટોરિયમમાં ભવ્ય સન્માન સમારોહ યોજાયો
-
રમતગમત અને વહીવટી તંત્ર દ્વારા સહયોગ
-
સૈનિકોના ત્યાગ અને શૌર્યને બિરદાવાયા
-
એક વીર નારી અને પૂર્વ સૈનિકો સન્માનિત
સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને ‘સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં દેશની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ જવાનોના પરિવારજનો, વીર નારીઓ અને પૂર્વ સૈનિકોનું વિશેષ સન્માન કરાયું હતું. દેશના રક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ અવસર ખૂબ જ પ્રેરણાદાયી રહ્યો હતો.
આ કાર્યક્રમ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત સહયોગથી ગાંધી હોસ્પિટલની નર્સિંગ સ્કૂલના ઓડિટોરિયમમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં જ દેશ માટે પ્રાણ આહુતિ આપનાર અમર શહીદ જવાનોની પવિત્ર સ્મૃતિમાં બે મિનિટનું મૌન પાળીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
અધ્યક્ષસ્થાનેથી બોલતા જગદીશભાઈ મકવાણાએ ભારતીય સૈનિકોના અદ્ભુત ત્યાગ, શૌર્ય અને નિઃસ્વાર્થ સમર્પણને ખુલ્લા મનથી બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હંમેશાં સૈનિક પરિવારો, વીર નારીઓ અને પૂર્વ સૈનિકોના કલ્યાણ, ઉત્કર્ષ અને પુનર્વસવાટ માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે અને તેમની પડખે ઊભી છે.
સન્માન સમારોહ દરમિયાન દેશ માટે શહાદત વહોરનાર 1 વીર નારી, 19 પૂર્વ સૈનિકો અને 11 સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓનું મોમેન્ટો તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કર્નલ વિશાલ શર્માએ સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે પૂર્વ સૈનિકો એ. એન. જાડેજા અને વિપુલ દવેએ પોતાના લશ્કરી જીવનના અનુભવો સહભાગીઓ સમક્ષ રજૂ કર્યા હતા.
આ રાષ્ટ્રીય ગૌરવના પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડીયા સહિતના પદાધિકારીઓ, મદદનીશ પોલીસ અધિક્ષક (A.S.P.) વૈદિકા બિહાની, જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદ ઓઝા તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ સહિતના વહીવટી અધિકારીઓ, કર્મચારીઓ અને અંદાજે 150 જેટલા નિવૃત્ત ફૌજીઓ તથા તેમના પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સૈનિકોનું સન્માન અને રાષ્ટ્રભક્તિ
દેશની રક્ષા કાજે સરહદ પર તૈનાત રહીને દુશ્મનો સામે લોખંડી દીવાલ બનતા સૈનિકો આપણું ગૌરવ છે. વીર જવાનો અને તેમના પરિવારોનું સન્માન કરવું એ દરેક દેશવાસીની પવિત્ર રાષ્ટ્રીય ફરજ છે.