Loading Please Wait !!!
પાટનગરના વિકાસ માટે મહત્ત્વાકાંક્ષી ચૂંટણી ઢંઢેરો બહાર પડ્યો

 

  • ફિક્સ પગાર અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરાશે

  • દરેક વોર્ડમાં તિરંગા ક્લિનિક શરૂ કરવામાં આવશે

  • સ્ટાર્ટઅપ શરૂ કરતા યુવાઓને પ્રોપર્ટી ટેક્સ મુક્તિ

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગાંધીનગરના રાજકીય સમીકરણોમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગરમાવો આવી ગયો છે, ત્યારે પાટનગરના વિકાસ અને નાગરિકોના મૂળભૂત અધિકારોને કેન્દ્રમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ પોતાનો અત્યંત મહત્ત્વાકાંક્ષી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ગાંધીનગરને દેશનું નંબર વન ગ્રીન, ક્લીન અને આધુનિક નગર બનાવવાની નેમ સાથે મેદાનમાં ઉતરેલી કોંગ્રેસે શહેરીજનોના જીવનધોરણને ઊંચું લાવવા માટે રોજગારી, શિક્ષણ, આરોગ્ય અને કર રાહતોને પ્રાથમિકતા આપતી અનેકવિધ લોકઉપયોગી ઘોષણાઓ કરી છે.

રોજગારના મોરચે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પાટનગરના બેરોજગાર યુવાવર્ગને આર્થિક રીતે સધ્ધર કરવા માટે 10,000 નવી રોજગારીની તકો ઊભી કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે. વહીવટી તંત્રમાં પ્રવર્તતી અનિશ્ચિતતા દૂર કરવા ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ તેમજ આઉટસોર્સિંગ જેવી શોષણયુક્ત પ્રથાઓ સંપૂર્ણપણે નાબૂદ કરીને લાયક યુવાનોને 100 ટકા કાયમી ધોરણે સરકારી નોકરીની સલામતી પૂરી પાડવાની ગેરંટી અપાઈ છે. આ ઉપરાંત શૈક્ષણિક સ્તરીકરણ સુધારવા માટે 365 દિવસ અને 24 કલાક ખુલ્લી રહે તેવી અધ્યતન રીડિંગ લાઇબ્રેરીઓનું નેટવર્ક પથરાશે.

આરોગ્ય ક્ષેત્રને વધુ સર્વસુલભ બનાવવાની દિશામાં દરેક વોર્ડમાં 'તિરંગા ક્લિનિક' શરૂ કરવાની ઘોષણા કરાઈ છે, જ્યાં નિઃશુલ્ક નિદાન અને સારવાર મળશે તેમજ ઓક્સિજન અને વેન્ટિલેટર સુવિધા યુક્ત 'લાઇફ ઓન વ્હીલ્સ' એમ્બ્યુલન્સ સેવાઓ તથા ગરીબ પરિવારો માટે 2 લાખ રૂપિયા સુધીનું પર્સનલ એક્સિડન્ટ વીમા કવચ પૂરું પાડાશે. કરવેરા માળખામાં ક્રાંતિકારી ફેરફાર કરતા 'જ્યાં સુધી પૂરતી સુવિધા નહીં, ત્યાં સુધી ટેક્સ નહીં' તેવું સૂત્ર અપાયું છે અને નવા સમાવિષ્ટ વિસ્તારોને ટેક્સ ફ્રી રાખવાની બાંહેધરી અપાઈ છે.

મહિલા સશક્તિકરણ અને સુરક્ષા માટે 'પિંક વ્હીલ્સ' અંતર્ગત મહિલાઓ માટે ખાસ પિંક બસ સેવા શરૂ કરાશે જેમાં મુસાફરી તદ્દન નિઃશુલ્ક રહેશે, તેમજ કરાટે તાલીમ, મિલકતો પર પ્રોપર્ટી ટેક્સમાં 50 ટકા રાહત અને જેન્ડર બજેટની જોગવાઈ કરાઈ છે. સિનિયર સિટીઝનો માટે 24 કલાકની હેલ્પલાઇન અને સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરીની સુવિધા આપીને તેમના વૃદ્ધાવસ્થાના દિવસોને ચિંતામુક્ત બનાવવાનો પ્રયાસ કરાયો છે.

પર્યાવરણની દ્રષ્ટિએ ગાંધીનગરને પુનઃ દેશનું નંબર વન ગ્રીન કેપિટલ બનાવવા માટે કપાયેલા વૃક્ષોના બદલામાં 50 લાખ નવા વૃક્ષોનું વાવેતર અને જતન કરવાનો સંકલ્પ લેવાયો છે. પેથાપુર નજીક આવેલી ડમ્પિંગ સાઈટને માનવવસ્તીથી દૂર અન્યત્ર ખસેડીને શહેરીજનોને પ્રદૂષણ મુક્ત વાતાવરણ પૂરું પાડવામાં આવશે, જેનાથી નાગરિકોના જીવનમાં મોટો સકારાત્મક બદલાવ આવશે.

ચૂંટણીના વચનો અને જનતાની અપેક્ષાઓ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પક્ષો દ્વારા લોકકલ્યાણકારી વચનો આપવામાં આવે છે, પરંતુ તેનો સાચો અમલ થાય તો જ જનતાને વાસ્તવિક રાહત અને વિકાસનો લાભ મળી શકે છે.