Loading Please Wait !!!
વડોદરામાં હનુમંત કથા સ્થળે રાઈડ્સ મુદ્દે હોબાળો: હિન્દુ સંગઠનોએ મેળામાં રાઈડ્સ બંધ કરાવી ચેકિંગ કર્યું!

  • લઘુમતી સંચાલકોના આક્ષેપ સાથે યુવાનોનો રોષ - સ્થિતિ થાળે પાડવા ગોત્રી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
  • "પવિત્રતા જળવાઈ રહે તે જરૂરી" - હિન્દુ એકતા સંગઠને એક-એકના નામ પૂછી રાઈડ્સ ઓપરેટરોને ભગાડ્યા.
  • કોન્ટ્રાક્ટર ઘનશ્યામ વાવડિયા પર 50% ભાગીદારીનો આરોપ - સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા મામલો ગરમાયો

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ચાલી રહેલી હનુમંત ચરિત્ર કથામાં રવિવારે રાત્રે રાઈડ્સના સંચાલન મુદ્દે મોટો વિવાદ સર્જાયો હતો. કથા સ્થળની બહાર બાળકોના મનોરંજન માટે રાખવામાં આવેલી રાઈડ્સનું સંચાલન લઘુમતી સમાજના લોકો કરી રહ્યા હોવાની જાણ થતા સ્થાનિક હિન્દુ સંગઠનના યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. સંગઠનના કાર્યકરોએ ઘટનાસ્થળે પહોંચીને હોબાળો મચાવ્યો હતો અને પવિત્રતાના નામે તમામ રાઈડ્સ તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધી હતી. પરિસ્થિતિ વણસતા મામલાને કાબૂમાં લેવા માટે પોલીસ બોલાવવાની નોબત આવી હતી.

હિન્દુ એકતા સંગઠનના સભ્ય નયન સકપાલના જણાવ્યા મુજબ, કલાનગરી ગ્રાઉન્ડ પર હનુમાનજીની કથા ચાલી રહી હોય ત્યાં કોઈ અપવિત્રતા ન ફેલાય તે હેતુથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું કે મેળાની અંદરની મોટાભાગની રાઈડ્સના માલિકો કે સંચાલકો લઘુમતી સમાજના છે. સંગઠને આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર ઘનશ્યામ વાવડિયા નામના વ્યક્તિએ 50 ટકાની ભાગીદારીમાં આ લોકોને કથાની બાજુમાં જ રાઈડ્સનું સંચાલન સોંપ્યું છે, જે હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવા સમાન છે.

આ હોબાળા દરમિયાન સંગઠનના કાર્યકરોએ રાઈડ્સ પર હાજર દરેક ઓપરેટરના નામ પૂછ્યા હતા અને ઓળખ કાર્ડની તપાસ કરી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાના અનેક વીડિયો વાયરલ થયા છે, જેમાં યુવાનો ઉગ્ર દલીલો કરતા જોવા મળે છે. સંગઠનનું કહેવું છે કે જ્યાં સુધી સંચાલન વ્યવસ્થામાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી રાઈડ્સ શરૂ કરવા દેવામાં આવશે નહીં. આ ઘટનાને પગલે કથામાં આવતા ભક્તોમાં પણ કુતૂહલ અને ચર્ચાનો વિષય બન્યો હતો.

બીજી તરફ, સમગ્ર વિવાદના કેન્દ્રમાં રહેલા કોન્ટ્રાક્ટર ઘનશ્યામ વાવડિયાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "બધી રાઈડ્સ મારી પોતાની જ છે અને કોઈની સાથે કોઈ ભાગીદારી નથી. અગાઉ કામ કરતા યુપીના છોકરાઓ વતનમાં ગયા હોવાથી હંગામી ધોરણે આ નવા છોકરાઓને કામ પર રાખ્યા હતા." તેમણે વધુમાં ઉમેર્યું કે કોઈએ ખોટી રીતે માથાકૂટ કરી છે, પરંતુ હવે સ્થિતિ શાંત છે.

ગોત્રી પોલીસના જણાવ્યા મુજબ, કથા સ્થળે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. હાલ પૂરતી રાઈડ્સ બંધ રખાવીને બંને પક્ષો વચ્ચે સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વડોદરામાં અવારનવાર ધાર્મિક કાર્યક્રમોમાં સંચાલન મુદ્દે હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવતા ચેકિંગ અને વિવાદોના કારણે સ્થાનિક વહીવટી તંત્ર પણ સાબદું બન્યું છે. આગામી દિવસોમાં કથા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે આયોજકોએ પણ તકેદારી વધારી દીધી છે.