‘ધુરંધર-2’ ફિલ્મથી દાઉદ ઈબ્રાહીમ અને ડી કંપનીને લાગ્યા મરચાં
- મુંબઈમાં બાંદ્રા મસ્જિદ તોડવાના બહાને આતંકી હુમલાનું મોટું ષડયંત્ર દિલ્હી પોલીસે રોક્યું
- પાકિસ્તાનની આઈએસઆઈ અને અન્ડરવર્લ્ડ ગેંગના ખતરનાક નેટવર્કનો દિલ્હી સ્પેશિયલ સેલે કર્યો પર્દાફાશ
- ડોન હજુ જીવતો છે તે સાબિત કરવા શકીલ ગેંગે ગ્રાઉન્ડ નેટવર્ક કર્યું એક્ટિવ
સિટી ન્યુઝ @ મુંબઈ
તાજેતરમાં રિલીઝ થયેલી સુપરહિટ બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર-2’ માં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની વાસ્તવિક જિંદગી સાથે મેળ ખાતા એક સંવેદનશીલ પાત્રને લઈને અસલી દાઉદ ઈબ્રાહીમ અને તેની આખી ગેંગને કરારા મરચા લાગ્યા હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. ફિલ્મની પ્રચંડ સફળતા બાદ ભારત વિરૂદ્ધ સળગી ઉઠેલી ‘ડી કંપની’ એ મુંબઈ નગરીમાં આતંક મચાવવા માટે પોતાના સ્લીપર સેલ અને ગ્રાઉન્ડ નેટવર્કને તાબડતોબ એક્ટિવ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, દિલ્હી પોલીસની હાઈટેક સ્પેશિયલ સેલે મુંબઈના બાંદ્રા મસ્જિદ વિવાદની આડમાં આકાર લઈ રહેલા આ ભયાનક આતંકી કાવતરાને સમયસર નિષ્ફળ બનાવીને પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈ (ISI) અને મુંબઈ અન્ડરવર્લ્ડ વચ્ચેના ઘાતક કનેક્શનનો પર્દાફાશ કર્યો છે.
ભારતીય ગુપ્તચર એજન્સીઓએ આ ગંભીર મામલામાં ચોંકાવનારો આંતરરાષ્ટ્રીય ખુલાસો કરતા જણાવ્યું છે કે, સદર ફિલ્મમાં દાઉદ ઈબ્રાહીમ સાથે હૂબહૂ મળતા ‘બડે સાહબ’ નામના મુખ્ય પાત્રને અત્યંત ગંભીર બીમારીની હાલતમાં બેડ પર લાચાર સુતેલો અને શારીરિક રીતે બેહદ નબળો દર્શાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ફિલ્મના અંતિમ ક્લાઈમેક્સમાં આ આતંકી પાત્રને તેના પાપી અને આખરી અંજામ સુધી પહોંચાડવાનો પણ દાવો કરાયો છે. આ દ્રશ્યોના કારણે આખી ડી કંપનીમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને તેઓ વૈશ્વિક સ્તરે પોતાની ક્ષીણ થતી તાકાત બતાવવા માટે તરફડિયાં મારી રહ્યા છે કે ડોન દાઉદ હજુ જીવતો છે અને સક્રિય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ચોક્કસ મિશન માટે નવા એજન્ટોની ભરતી કરવાની મુખ્ય જવાબદારી કુખ્યાત છોટા શકીલ ગેંગને સોંપવામાં આવી છે, જ્યારે પકડાયેલા ગુનેગારોને ટ્રેનિંગ આપવાની તમામ આર્થિક અને સૈન્ય જવાબદારી પાકિસ્તાની આઈએસઆઈ એ ઉપાડી છે. મુંબઈમાં આ કાવતરાને જમીની સ્તરે એક્ઝિક્યુટ કરવાની કમાન શાર્પ શૂટર મુન્ના ઝિંગાડાને સોંપાઈ હતી. કાવતરાખોરોએ પકડેલા સ્થાનિક એજન્ટોને હુમલાનું અસલી કારણ બતાવ્યું નહોતું, તેના બદલે તેમને ધાર્મિક રીતે એમ કહીને ઉશ્કેરવામાં આવ્યા હતા કે આ બાંદ્રા ગરીબ નગરમાં એક ગેરકાયદે મસ્જિદ પર પ્રશાસન દ્વારા બુલડોઝરથી કરવામાં આવેલી કડક કાર્યવાહીનો સીધો બદલો છે.
મુંબઈમાં આતંકી હુમલાના ઇનપુટ્સ મળતા જ લોકલ પોલીસ એલર્ટ પર
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એજન્ટોની ધરપકડ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરના હથિયારોનો જથ્થો પણ જપ્ત કરી લીધો છે. પાકિસ્તાન અને દુબઈથી ઓપરેટ થતા અન્ડરવર્લ્ડના તમામ શંકાસ્પદ બેંક ખાતાઓ પર કેન્દ્રીય એજન્સીઓએ વોચ ગોઠવી દીધી છે. મુંબઈ કમિશનરેટ દ્વારા બાંદ્રા સહિતના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા વધારાનો પોલીસ કાફલો તૈનાત કર્યો છે.