Loading Please Wait !!!
ટ્રમ્પની ચેતવણી છતાં યુક્રેનનો રશિયા પર 1000 ડ્રોનથી હુમલો!

 

  • અમેરિકાની સલાહ ફગાવી યુક્રેને રશિયન ઓઇલ ડેપો ફૂંકી માર્યા!

  • શસ્ત્રવિરામના દાવા વચ્ચે યુક્રેને સેન્ટ પિટર્સબર્ગને ધમરોળી નાખ્યું!

  • ટ્રમ્પની શાંતિની વાતોનું સૂરસૂરિયું: યુક્રેને યુદ્ધ વધુ ભડકાવ્યું!

સિટી ન્યુઝ @ મોસ્કો 

અમેરિકા અને યુક્રેન વચ્ચે વધી રહેલી તકરાર વચ્ચે જ યુક્રેને રશિયાના પોર્ટ સિટી સેન્ટ પિટર્સબર્ગ સહિત 15 જેટલા પ્રાંતો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. યુક્રેન દ્વારા રશિયન વિસ્તારો પર 1000થી વધુ ડ્રોન છોડવામાં આવ્યા હતા. આ ભીષણ હુમલામાં સેન્ટ પિટર્સબર્ગ શહેરમાં સૌથી વધુ નુકસાન થયું છે, જ્યાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે અને અનેક લોકો ઘાયલ થયા છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના વડા ઝેલેન્સ્કીને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે તેઓ હવે રશિયન ઓઇલ મથકો પર હુમલા ન કરે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પની આ સલાહને બાજુમાં મૂકીને યુક્રેને રશિયાના ઓઇલ મથકોને જ નિશાન બનાવ્યા છે. આ હુમલાથી પિટર્સબર્ગના ઓઇલ નિકાસ ટર્મિનલ અને રુચી ઓઇલ ડેપોમાં ભીષણ આગ લાગતા રશિયાને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.

રવિવારે રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેમના સુરક્ષાદળોએ 15 પ્રાંતોમાં યુક્રેન દ્વારા છોડવામાં આવેલા અનેક ડ્રોનનો હવામાં જ નાશ કર્યો હતો. આ હુમલાના વળતા જવાબમાં રશિયાએ પણ યુક્રેન પર વળતો પ્રહાર કર્યો હતો, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ ફરી ચરમસીમાએ પહોંચી ગયો છે.

રશિયન સેના દ્વારા યુક્રેનના ઝેપોરિઝઝી વિસ્તારમાં કરવામાં આવેલા હુમલામાં 1 મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે 1 બાળકી સહિત કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઉપરાંત રશિયન હુમલામાં સ્થાનિક વિસ્તારના કેટલાક વાહનો અને રહેણાંક ઇમારતોનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે ગત 11 તારીખે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે રશિયા અને યુક્રેન બંને શસ્ત્રવિરામ માટે તૈયાર થઈ ગયા છે. પરંતુ જે રીતે યુક્રેને અમેરિકાની સલાહની અવગણના કરીને રશિયન ઓઇલ ડેપો પર ફરી હુમલા શરૂ કરી દીધા છે, તે જોતા આ યુદ્ધ હાલ અટકવાની શક્યતા ઘણી ઓછી દેખાઈ રહી છે.

શાંતિના દાવા પોકળ, ટ્રમ્પનું પણ નથી માનતું યુક્રેન!

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ થોડા દિવસો પહેલા જ રશિયા અને યુક્રેન વચ્ચે શસ્ત્રવિરામ થઈ જશે તેવી મોટી જાહેરાતો કરતા હતા. પરંતુ ઝેલેન્સ્કીએ ડોનાલ્ડ ટ્રમ્પની સલાહને કચરાટોપલીમાં પધરાવીને રશિયાના ઓઇલ ડેપો પર જ 1000 ડ્રોન ઝીંકી દીધા છે! હથિયારો અને પૈસા માટે અમેરિકા પર નિર્ભર રહેતું યુક્રેન હવે અમેરિકાના જ કહ્યામાં નથી રહ્યું, જે દર્શાવે છે કે આ યુદ્ધની આગ હજુ લાંબો સમય સુધી ઓલવાશે નહીં.