પ્રિયાગોલ્ડ બિસ્કિટમાં પશુ આહારનો ઉપયોગ, FSSAIની લાલ આંખ!
-
ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી કંપનીઓ સામે કાનૂની કાર્યવાહી!
-
ડોડલા ડેરીના દૂધમાં ડિટર્જન્ટ અને કોસ્ટિક સોડાનું ઝેર!
-
ઓર્ગેનિક કિસમિસમાંથી મળી આવ્યા હાનિકારક જંતુનાશકોના અવશેષો!
સિટી ન્યુઝ @ નવી દિલ્હી : દેશની ખાદ્ય નિયમન સંસ્થા FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતી જાણીતી કંપનીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. ‘પ્રિયાગોલ્ડ’ બિસ્કિટ બનાવતી ‘સૂર્યા ફૂડ એન્ડ એગ્રો’ કંપની સામે બિસ્કિટમાં પશુ આહારનું ભૂસું વાપરવા બદલ કાનૂની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
એક ગ્રાહકની ફરિયાદના આધારે FSSAI ની ટીમે પ્લાન્ટ પર ઓચિંતી તપાસ કરી હતી, જેમાં માનવ વપરાશ માટે અયોગ્ય એવા પશુ આહારના કોથળાઓ મળી આવ્યા હતા. સ્વચ્છતા અને કાચા માલના સંગ્રહમાં ગંભીર બેદરકારી સામે આવતા અગાઉ કંપનીનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું હતું અને હવે પ્રોસિક્યુશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
આ ઉપરાંત FSSAI એ ‘ડોડલા ડેરી’ સામે પણ કડક પગલાં લીધા છે. ડેરીના ‘ફુલ ક્રીમ મિલ્ક’ના સેમ્પલ ‘રેફરલ ફૂડ લેબોરેટરી’માં તપાસવામાં આવતા તેમાં ડિટર્જન્ટ અને કોસ્ટિક સોડાની હાજરી મળી આવી હતી, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી અને અસુરક્ષિત સાબિત થયા છે.
આ યાદીમાં ત્રીજું નામ ‘યુઈઆઈઆર ઓર્ગેનિક ફૂડ્સ’નું છે, જેની પીળી કિસમિસના સેમ્પલમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં હાનિકારક જંતુનાશકોના અવશેષો મળી આવ્યા હતા, જે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ ગંભીર ગુનો છે.
FSSAI ની આ સઘન કાર્યવાહીથી ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતી કંપનીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. રેગ્યુલેટરે સ્પષ્ટ કર્યું છે કે જનતાના સ્વાસ્થ્ય સાથે રમત રમતી કોઈપણ કંપનીને છોડવામાં નહીં આવે અને કાયદાકીય કાર્યવાહી સતત ચાલુ રહેશે.
બ્રાન્ડેડ વસ્તુઓ પર ભરોસો કરવો કે નહીં? ખાદ્ય સુરક્ષા સામે ગંભીર સવાલ!
જ્યારે પ્રિયાગોલ્ડ જેવા નામાંકિત બિસ્કિટમાં પશુ આહારનું ભૂસું વપરાતું પકડાય અને ડોડલા ડેરીના દૂધમાંથી ડિટર્જન્ટ તથા કોસ્ટિક સોડા નીકળે, ત્યારે સામાન્ય ગ્રાહકે કોના પર ભરોસો કરવો તે મોટો પ્રશ્ન બની જાય છે. નફાખોરીની ઘેલછામાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતી આ કંપનીઓની માનસિકતા અત્યંત નિંદનીય છે. FSSAI ની આ કડક કાર્યવાહી આવકારદાયક છે, પરંતુ આવા ગુનેગારોને કડકમાં કડક સજા મળે તો જ બજારમાં શિસ્ત આવી શકે છે.