અમેરિકા દગો દેશે તેવા ડરથી નેતન્યાહૂ ભારતના શરણે!
-
ચૂંટણી જીતવા નેતન્યાહૂએ બતાવ્યો અમેરિકામાં સત્તા પરિવર્તનનો ડર!
-
ટ્રમ્પની વિદાય પહેલા ઈઝરાયલ શોધી રહ્યું છે નવા મિત્રો!
-
માત્ર 2 પાનાની સુરક્ષા નીતિથી મતદારોને ભરમાવવાનો ખેલ!
સિટી ન્યુઝ @ તેલ અવીવ : ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આશંકા વ્યક્ત કરી છે કે આગામી 2 વર્ષમાં અમેરિકામાં કોઈ એવા પ્રમુખ સત્તા પર આવી શકે છે જે ઈઝરાયલ પ્રત્યે વિરોધી વલણ ધરાવતા હોય. આગામી 27 ઓક્ટોબરે યોજાનારી સંસદીય ચૂંટણીઓ પહેલાં પોતાની સુરક્ષા નીતિ રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે, આવી સ્થિતિનો સામનો કરવા ઈઝરાયલે અત્યારથી જ ભારત અને લેટિન અમેરિકાના દેશો સાથે સંબંધો મજબૂત કરવા જોઈએ.
બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું કે ઈઝરાયલે હાલના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બાકી રહેલા કાર્યકાળનો ઉપયોગ પોતાની વૈશ્વિક સ્થિતિ મજબૂત કરવા માટે કરી લેવો જોઈએ. તેમણે ભારતનો ખાસ ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત કોઈ નાનો દેશ નથી પરંતુ 1 મોટી વૈશ્વિક શક્તિ છે. અગાઉ પણ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના ખાસ સંબંધોની પ્રશંસા કરી ચૂક્યા છે.
ભૂતકાળમાં અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને જો બાઇડેનના કાર્યકાળ દરમિયાન બેન્જામિન નેતન્યાહૂ સાથે અનેક મુદ્દાઓ પર મતભેદો રહ્યા હતા. રાજકીય વિશ્લેષકો માને છે કે બેન્જામિન નેતન્યાહૂની નીતિઓને કારણે જ અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીમાં ઈઝરાયલ પ્રત્યેનું સમર્થન ઘટ્યું છે, જેના કારણે હવે તેમને નવા શક્તિશાળી ગઠબંધનની જરૂર પડી છે.
બીજી તરફ, ઈઝરાયલના વિપક્ષી નેતા અને પૂર્વ સેના પ્રમુખ ગાદી આઇઝનકોટે આ સુરક્ષા નીતિ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ નીતિને માત્ર 2 પાનાનો દસ્તાવેજ ગણાવીને ચૂંટણીના 9 દિવસ પહેલાં જનતામાં ડર પેદા કરવાનો રાજકીય પ્રયાસ ગણાવ્યો હતો. 7 ઓક્ટોબર, 2023ની ઘટનાના 3 વર્ષ પછી પણ સરકાર પાસે નક્કર વ્યૂહાત્મક દિશાનો અભાવ હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો.
આ નિવેદનના થોડા કલાકો પહેલા જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં બેન્જામિન નેતન્યાહૂનું સમર્થન કરતા તેમને મજબૂત નેતા અને ઈરાન સામેની કાર્યવાહીમાં મહત્ત્વના સહયોગી ગણાવ્યા હતા. જોકે ઈઝરાયલમાં વડાપ્રધાનની પસંદગી સીધી જનતાના વોટથી નહીં પરંતુ સંસદના સભ્યો દ્વારા થતી હોવાથી, ડોનાલ્ડ ટ્રમ્પના આ સમર્થનથી ચૂંટણીમાં કેટલો ફાયદો થશે તે જોવું રહ્યું.
અમેરિકાની લાકડીના ટેકે ચાલતા ઈઝરાયલને હવે ભારતની યાદ આવી
દાયકાઓ સુધી અમેરિકાના ખભે બેસીને દુનિયામાં રોફ જમાવતા ઈઝરાયલને હવે ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. અમેરિકામાં સત્તા બદલાતા જ પોતાનો દબદબો ખતમ થઈ જશે તેવા ડરથી બેન્જામિન નેતન્યાહૂ હવે ભારત તરફ મીટ માંડી રહ્યા છે. ચૂંટણીના 9 દિવસ પહેલાં જ રજૂ કરાયેલી આ નીતિ ખરેખર દેશની સુરક્ષા માટે છે કે પછી મતદારોને ડરાવીને ખુરશી બચાવવાનું રાજકીય નાટક, તે સવાલ હાલ ચર્ચામાં છે.