Loading Please Wait !!!
ખખડધજ સ્કૂલો અને મોંઘવારીથી ભડક્યું ફ્રાન્સ, 8 લાખ રસ્તા પર!

 

  • વિકસિત ફ્રાન્સની સ્કૂલોમાં ઉંદરોનો આતંક, જેન-ઝીએ મચાવ્યું રમખાણ!

  • મોંઘવારીના મારથી ફ્રાન્સમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ, 140 વર્ષનો હોલ સળગાવ્યો!

  • સુવિધા આપવામાં નિષ્ફળ મૈક્રોં સરકાર સામે યુવાનોનો હિંસક બળવો!

સિટી ન્યુઝ @ પેરિસ 

ફ્રાન્સમાં સ્કૂલોની ખરાબ સ્થિતિ, મોંઘવારી અને કથળતા જીવનસ્તરને સુધારવામાં સરકારની નિષ્ફળતા સામે શનિવારે જેન-ઝી અને ટ્રેડ યુનિયનોના નેજા હેઠળ 8 લાખ લોકો રસ્તા પર ઉતર્યા હતા. આ રાષ્ટ્રવ્યાપી આંદોલન સાંજ સુધીમાં હિંસક બનતા સમગ્ર દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પેરિસ, માર્સેલી, ટુસૌલ અને લિમોઝ સહિતના શહેરોમાં દેખાવકારોએ દુકાનો લૂંટી હતી અને લિમોઝમાં 140 વર્ષ જૂના ઐતિહાસિક ટાઉન હોલ સહિત અનેક ઈમારતોને આગ ચાંપી દીધી હતી.

આ હિંસક તોફાનોમાં 600થી વધુ પોલીસ અધિકારીઓ અને ફાયરફાઈટર્સ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે પેરિસમાં હૃદયરોગના હુમલાથી 1 દેખાવકારનું મોત થયું હતું. પોલીસે સમગ્ર દેશમાં 2000થી વધુ લોકોની ધરપકડ કરી છે, જેમાંથી એકલા પેરિસમાં જ 557 લોકોની અટકાયત કરાઈ હતી. જોકે 1 વ્યક્તિના મોત અને હજારોની ધરપકડથી ભડકેલા દેખાવકારોએ સતત 2nd દિવસે રવિવારે પણ પોલીસ સાથે ભારે ઘર્ષણ કર્યું હતું.

પેરિસના મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઈરેએ જણાવ્યું કે તોફાની તત્વોએ વાહનો સળગાવી દીધા છે અને બંધ દુકાનોના શટરો તોડી લૂંટફાટ ચલાવી છે. ગૃહમંત્રી લોરેન્ટ નુનેઝના મતે દેશમાં 5.5 લાખ અને પેરિસમાં 1.1 લાખ લોકો દેખાવોમાં જોડાયા હતા, જ્યારે સંગઠનોએ 8 લાખ લોકોનો દાવો કર્યો છે. આ ગંભીર સ્થિતિ મુદ્દે પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંએ રવિવારે ઈમર્જન્સી બેઠક બોલાવી તોડફોડ કરનારા સામે કડક કાર્યવાહીની ચીમકી આપી હતી, જ્યારે વડાપ્રધાન સેબાસ્ટિયન લેકોર્નુએ આગામી વર્ષની ચૂંટણી પહેલાં હિંસાથી રાજકીય એજન્ડા ચલાવવાનો આરોપ લગાવ્યો હતો.

વાસ્તવમાં આ આંદોલનની શરૂઆત સમર વેકેશન પછી વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા ત્યારથી થઈ હતી. ફ્રાન્સના મીડિયાએ દર્શાવેલા વીડિયોમાં સ્કૂલોમાં ઉંદરો દોડતા, તૂટેલી છતોમાંથી પાણી ટપકતું, ઉખડી ગયેલા પ્લાસ્ટર અને તૂટેલા ફર્નિચર જોવા મળ્યા હતા. પૂરતા શિક્ષકોના અભાવની સાથે ભીષણ ગરમીમાં ક્લાસરૂમમાં એસી ન ચાલવા અને શિયાળામાં ઠૂંઠવાતા હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ હતી.

સ્કૂલો અને યુનિવર્સિટીઓના ખરાબ માહોલથી કંટાળીને રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓ સાથે આકાશને આંબતા ઈંધણના ભાવ અને મોંઘવારીથી ત્રસ્ત સામાન્ય જનતા પણ જોડાઈ ગઈ હતી. આટલું ઓછું હોય તેમ ફ્રાન્સના સૌથી મોટા મજૂર સંઘ જનરલ કોન્ફેડરેશન ઓફ લેબર દ્વારા પણ આ પ્રદર્શનકારીઓને ટેકો જાહેર કરવામાં આવતા આંદોલન વધુ ઉગ્ર બન્યું છે.

વિકાસના બણગાં ફૂંકતા ફ્રાન્સની સ્કૂલોમાં ઉંદરોનો વસવાટ!

દુનિયાભરમાં પોતાની જાહોજલાલી અને વિકાસના બણગાં ફૂંકતા ફ્રાન્સની અસલી વાસ્તવિકતા આ આંદોલને ઉજાગર કરી દીધી છે. જ્યાં દેશનું ભવિષ્ય ઘડાય છે તેવી સ્કૂલોમાં જ તૂટેલી છતો નીચે ઉંદરો દોડી રહ્યા છે અને વિદ્યાર્થીઓ પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. જનતાના ટેક્સના પૈસે વૈભવી જીવન જીવતા સત્તાધીશો જ્યારે પાયાની સુવિધાઓ અને મોંઘવારી કાબૂમાં લેવામાં નિષ્ફળ જાય, ત્યારે રસ્તાઓ પર આવો જ જ્વાળામુખી ફાટતો હોય છે.