ટેરિફની ધમકી આપતું અમેરિકા ભારત સામે પડ્યું નરમ!
-
રશિયન ઓઇલ મુદ્દે અમેરિકાની શાન આખરે ઠેકાણે આવી!
-
ભારત વગર નહીં ચાલે: અમેરિકન વિદેશમંત્રીએ કર્યા વખાણ!
-
100 ટકા ટેરિફની વાતો વચ્ચે અમેરિકાએ બદલ્યો સૂર!
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન
વિશ્વભરમાં ટેરિફની ધમકીઓ આપતું અમેરિકા હવે ભારત સામે નરમ પડ્યું છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ ભારતને મહત્વપૂર્ણ સહયોગી દેશ ગણાવીને કહ્યું છે કે તેના પર કોઈ પણ ટેરિફ લગાવતા પહેલા અમેરિકાએ ગંભીરતાથી વિચારવું પડશે. આ સપ્તાહમાં જ માર્કો રુબિયો ભારતની મુલાકાતે આવી રહ્યા છે, તે પહેલાં જ તેમણે ભારતના ભરપૂર વખાણ કર્યા હતા.
અમેરિકાએ રશિયા પાસેથી ઓઇલ ખરીદનારા 5 સૌથી મોટા દેશોના સામાન પર 100 ટકા ટેરિફ નાખવા 1 કાયદો પસાર કર્યો હતો, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. જોકે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલ પૂરતો આ નિર્ણય ટાળી દીધો છે. તેવામાં હવે વિદેશમંત્રીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારત મુદ્દે અમેરિકાનું વલણ કૂણું પડ્યું છે.
માર્કો રુબિયોએ સ્પષ્ટતા કરી હતી કે ભારત પર કોઈ પણ પ્રકારના ટેરિફ કે પ્રતિબંધો લગાવતા પહેલા વિશ્વભરમાં તેની શું અસરો થશે તેને પણ ધ્યાનમાં લેવી પડશે. રશિયન ઓઇલ ખરીદવા બદલ ભારત પર કેમ પગલાં ન લેવાયા તેવા સવાલના જવાબમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.
ભારતની વાસ્તવિક પરિસ્થિતિ સ્વીકારતા અમેરિકન વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે ભારત માટે રાતોરાત રશિયન ઓઇલથી દૂર થવું હાલ ઘણું મુશ્કેલ છે. ભારત અમેરિકાનો 1 મહત્વપૂર્ણ ભાગીદાર હોવાથી કોઈ પણ આકરો નિર્ણય લેતા પહેલા ભારતની ઊર્જા અને ફ્યુઅલની જરૂરિયાતોને ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે.
રાજદ્વારી મોરચે આ નિવેદન ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો વચ્ચે આગામી 20 તારીખે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની શક્યતાઓ છે, જેમાં દ્વિપક્ષીય સંબંધો અને વેપાર અંગે ચર્ચા થશે.
દુનિયાને ટેરિફથી ડરાવતા અમેરિકાની ભારત સામે કેમ બોલતી બંધ?
વાત-વાતમાં અન્ય દેશો પર પ્રતિબંધો અને 100 ટકા ટેરિફ લાદવાની ધમકી આપતું અમેરિકા ભારતનું નામ આવતા જ કેમ નરમ પડી જાય છે, તે સમજવા જેવું છે. રશિયા પાસેથી ઓઇલ ખરીદવા મુદ્દે ભારતને ભીંસમાં લેવા નીકળેલા અમેરિકાને હવે ભારતની ઊર્જા જરૂરિયાતોની ચિંતા થવા લાગી છે! હકીકતમાં વૈશ્વિક રાજકારણ અને બજારમાં ભારતના વધતા કદ સામે ઝૂકવું એ હવે અમેરિકાની મજબૂરી બની ગઈ છે.