Loading Please Wait !!!
પાકિસ્તાનમાં મંદિરને સુરક્ષા આપવાના બદલે પ્રશાસને સીલ માર્યું

 

  • 200 વર્ષ જૂના મંદિરની જગ્યાએ પ્લાઝા બનાવવાનો ખેલ!

  • હિન્દુઓએ વિરોધ કર્યો તો પ્રશાસને મંદિર જ પચાવી પાડ્યું!

  • હેરિટેજ મંદિર તોડવાના પ્રયાસ સામે પાકિસ્તાન સરકારના આંખમિચામણા!

સિટી ન્યુઝ @ ઈસ્લામાબાદ

પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓની આસ્થા પર પ્રહાર કરવાની વધુ 1 ઘટના સામે આવી છે. ખૈબર પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં આવેલા 200 વર્ષ જૂના ઐતિહાસિક રામ લીલા મંદિરને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પૌરાણિક મંદિરને તોડીને ત્યાં કોમર્શિયલ પ્લાઝા બનાવવાનું આયોજન હતું, પરંતુ હિન્દુ સંગઠનોના ભારે વિરોધને કારણે આ નિર્ણય હાલ પૂરતો પડતો મૂકવો પડ્યો છે.

નવાઈની વાત એ છે કે હિન્દુ સંગઠનોના વિરોધ બાદ મંદિરની સુરક્ષા વધારવાના બદલે સ્થાનિક પ્રશાસને મંદિરને જ પોતાના કબજામાં લઈ લીધું છે. વિવાદ વચ્ચે ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ દ્વારા મંદિરને સીલ મારી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે ખૈબર પ્રાંતમાં ઇમરાન ખાનની પાર્ટીની સરકારને સસ્પેન્ડ કરીને સત્તા પોતાના હાથમાં લીધી હતી, ત્યાં જ આ ઘટના બની છે.

જે મંદિરને તોડવાનો પ્રયાસ થયો છે, તેનો સમાવેશ આ જિલ્લાના 400 જેટલા ઐતિહાસિક હેરિટેજ સ્થળોમાં કરવામાં આવેલો છે. તેમ છતાં ભૂમાફિયાઓ અને તંત્રની મિલીભગતથી આ ધરોહરને નષ્ટ કરીને શોપિંગ પ્લાઝા ઊભો કરવાનો કારસો રચવામાં આવ્યો હતો, જેનો સ્થાનિક હિન્દુઓએ રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ કર્યો હતો.

આ મંદિરને સીલ કરનાર ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ એવી સંપત્તિઓનો વહીવટ કરે છે જે 1947માં ભારતના ભાગલા વખતે હિન્દુઓ પાકિસ્તાનમાં છોડીને ભારત આવી ગયા હતા. રક્ષણ કરવાના બહાને આ બોર્ડ દ્વારા જ હવે હિન્દુઓના પવિત્ર ધાર્મિક સ્થળ પર તાળાં મારી દેવામાં આવતા લઘુમતી સમુદાયમાં ભારે રોષ ફેલાયો છે.

ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં આવા અનેક પ્રાચીન હિન્દુ ધાર્મિક સ્થળો આવેલા છે જે હાલ જોખમમાં છે. તાજેતરમાં જ પાકિસ્તાન માનવ અધિકાર પંચે પણ પોતાના અહેવાલમાં ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે પાકિસ્તાનમાં લઘુમતીઓના ધાર્મિક અને માનવીય અધિકારોનો વારંવાર ભંગ થઈ રહ્યો છે.

મંદિર બચાવવાના નામે પાકિસ્તાની તંત્રએ જ કરી લીધો કબજો!

પાકિસ્તાનમાં લઘુમતીઓની સુરક્ષાના નામે કેવું નાટક ચાલે છે તેનો આ જીવતોજાગતો પુરાવો છે. 200 વર્ષ જૂના મંદિરને તોડીને પ્લાઝા બનાવવાનો પ્લાન જ્યારે હિન્દુઓના વિરોધથી નિષ્ફળ ગયો, ત્યારે તંત્રએ તોડફોડ કરનારાઓને પકડવાના બદલે મંદિરને જ સીલ મારી દીધું! ચોરને પકડવાના બદલે સાધુને જ જેલમાં પૂરી દેવા જેવી પાકિસ્તાની પ્રશાસનની આ નીતિ લઘુમતીઓ પ્રત્યેની તેમની માનસિકતા છતી કરે છે.