Loading Please Wait !!!
ઈરાનના તેલ ક્ષેત્રો પર અંકુશ મેળવી કમાણી કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત

 

  • અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વ્યાપારી હેતુઓની કરી કબુલાત

  • નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી પૂર્ણ થયા બાદ યુદ્ધ સમાપ્ત થવાની શક્યતા

  • માત્ર અમેરિકાની શરતો મુજબ જ સમજૂતી સ્વીકારવામાં આવશે

સિટી ન્યુઝ @ વોશિંગ્ટન

ઈરાનને અણુશસ્ત્રોના નિર્માણથી દૂર રાખવા માટે હુમલો કર્યાની જાહેરાત કરનાર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની વ્યાપારી ચાલની ખુલ્લી કબુલાત કરતા જણાવ્યું છે કે ઈરાન સામેના યુદ્ધનો અંત આવ્યા બાદ પણ અમેરિકા હોર્મુઝ જળમાર્ગ સહિતના ઈરાની તેલ ક્ષેત્રોમાં પોતાની સૈન્ય અને વ્યાપારી હાજરી જાળવી રાખશે. વેનેઝુએલાની શૈલી અપનાવીને ઈરાનના તેલ ક્ષેત્ર પર અંકુશ રાખીને તેમાંથી કમાણી કરવાની ટ્રમ્પની યોજના છે. ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણી પૂર્ણ થયા બાદ ઈરાન સાથેના યુદ્ધનો અંત આવી શકે છે, પરંતુ અમેરિકા માત્ર પોતાની માંગ મુજબની શરતો જ સ્વીકારશે.

ટ્રમ્પે દાવો કર્યો છે કે યુદ્ધ પૂરું થતાં જ ક્રૂડ ઓઈલ અને પેટ્રોલની કિંમતોમાં ભારે ઘટાડો થશે. ટ્રમ્પની આ નીતિ સ્પષ્ટ કરે છે કે જેમ વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને હટાવીને ત્યાંની તેલ સંપત્તિ પર અમેરિકી સમર્થિત નિયંત્રણ સ્થાપિત કરવામાં આવ્યું હતું, તેવી જ રીતે તેઓ ઈરાનમાં પણ કરવા માંગે છે. આમ, ગલ્ફ દેશોમાં માત્ર સૈન્ય હિતો જ નહીં પરંતુ વ્યાપારી હિતોને સાધવા માટે પણ અમેરિકા આગળ વધી રહ્યું છે, જોકે ઈરાન દ્વારા કરવામાં આવી રહેલા આક્રમક મુકાબલાને જોતા ટ્રમ્પ માટે આ પરિસ્થિતિ વેનેઝુએલા જેવી સરળ સાબિત થશે નહીં.

વૈશ્વિક રાજકારણ અને તેલ બજારના સમીકરણો

અમેરિકાની આ સામ્રાજ્યવાદી અને વ્યાપારી રણનીતિઓ મધ્ય પૂર્વના દેશોમાં લાંબા ગાળાની અસ્થિરતા સર્જી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જા સુરક્ષા અને બજારના પ્રભુત્વને લઈને મહાસત્તાઓ વચ્ચેનો આ સંઘર્ષ વૈશ્વિક અર્થતંત્રને મોટો પ્રભાવિત કરી રહ્યો છે.