ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અમેરિકા મુલાકાત પહેલા ટ્રમ્પનું નિવેદન
-
વ્યાપારી યુદ્ધ અને વૈશ્વિક તણાવ વચ્ચે બે મહાસત્તાઓ વચ્ચે મંત્રણા
-
દરેક મહત્વના મુદ્દાઓ પર ખુલીને ચર્ચા કરવામાં આવશે
-
અમેરિકી પ્રમુખના આ નિવેદને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી 24 તારીખે અમેરિકાની મુલાકાતે જવાના છે, તે પહેલાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક તોફાની નિવેદન આપતા જણાવ્યું છે કે અમેરિકા અને ચીન બંને એકબીજાની જાસૂસી કરે છે. એરફોર્સ-વનમાં પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં ટ્રમ્પે આ ખુલાસો કર્યો હતો. વર્તમાન સમયમાં ચાલી રહેલા બે યુદ્ધો અને ટેરિફ વોરના માહોલ વચ્ચે આ બે મહાસત્તાઓના રાષ્ટ્રવડાઓની આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે મુલાકાત દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ સામે દરેક મુદા પર વિસ્તારપૂર્વક વાતચીત થશે. વૈશ્વિક વેપાર, આર્થિક નીતિઓ અને સુરક્ષા સંબંધી મુદ્દાઓ પર બંને નેતાઓ આમને સામને હશે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે ટેકનોલોજી અને ગુપ્તચર માહિતીના આદાનપ્રદાનને લઈને અવિશ્વાસનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. આ શિખર સંમેલન આગામી સમયમાં વૈશ્વિક રાજકારણ અને આર્થિક સમીકરણો પર ઊંડી અસર છોડી શકે છે.
મહાસત્તાઓ વચ્ચેના કૂટનીતિક સમીકરણો
અમેરિકા અને ચીન જેવા દેશો વચ્ચેના પરસ્પર સંબંધો માત્ર દ્વિપક્ષીય વેપાર પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને સુરક્ષાને સીધી અસર કરે છે. આવા ઉચ્ચ સ્તરીય સંમેલનો તણાવ ઘટાડવામાં અથવા નવા સમીકરણો રચવામાં નિર્ણાયક સાબિત થાય છે.