Loading Please Wait !!!
બ્રિટનની અખંડિતતા સામે સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયરલેન્ડના પડકારો

 

  • અગાઉ 2014માં સ્કોટલેન્ડમાં યોજાયેલા જનમત સંગ્રહમાં બ્રિટન સાથે રહેવાનો મત મળ્યો હતો

  • સ્કોટીશ નેશનલ પાર્ટીના જોન સ્વીની સહિતના નેતાઓ ચર્ચામાં લેશે ભાગ

  • આયરલેન્ડના નેતા મેરી લુ મેકડોનાલ્ડ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

એક સમયે જે સામ્રાજ્ય પર સૂર્ય આથમતો ન હતો તેવા બ્રિટનમાં આજે તેની આંતરિક અખંડિતતા સામે મોટા પડકારો ખડા થયા છે. લાંબા સમયથી સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયરલેન્ડ બ્રિટનથી અલગ થઈને પોતાના સ્વતંત્ર અસ્તિત્વની માંગ કરી રહ્યા છે અને હવે આ મુદ્દે ફરી એકવાર રેફરન્ડમ (લોકમત) લેવાની માંગ જોર પકડી રહી છે. કાર્ડીક ખાતે યોજાનારી એક મહત્વપૂર્ણ બેઠકમાં બ્રિટનની એકતા સંદર્ભે નવેસરથી ચર્ચા શરૂ થશે અને સંયુક્ત ઘોષણાપત્ર પર સહી થાય તેવી સંભાવના છે, જેમાં નોર્ધન આયરલેન્ડ અને આયરલેન્ડના એક થવાની માંગ પણ સામેલ છે.

બ્રિટનના ઇતિહાસમાં આ પ્રથમ એવી સ્થિતિ છે જ્યાં ત્રણેય પ્રાંતો એકસાથે પોતાના આત્મનિર્ણય અને આઝાદી માટે જનમત સંગ્રહની માંગ કરી રહ્યા છે. સ્કોટલેન્ડમાં અગાઉ 2014માં અલગ થવા માટે રેફરન્ડમ યોજાયું હતું, જેમાં 51% થી વધુ લોકોએ બ્રિટનની સાથે જ રહેવાનો મત વ્યક્ત કર્યો હતો. જો કે, નિષ્ણાતોના મતે નોર્ધન આયરલેન્ડ અને આયરલેન્ડના મામલામાં પરિસ્થિતિ અલગ છે અને નોર્ધન આયરલેન્ડ બ્રિટનને છોડીને બંને આયરલેન્ડના એક થવાના પક્ષમાં બહુમત રજૂ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગ્રેટ બ્રિટનમાં માત્ર ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સનો સમાવેશ થાય છે જ્યારે યુનાઈટેડ કિંગડમ (યુકે) માં તેમાં નોર્ધન આયરલેન્ડ પણ જોડાય છે.

વૈશ્વિક રાજકારણ અને પ્રાદેશિક અખંડિતતા

બ્રિટનના આંતરિક રાજકારણમાં ઉદ્ભવતા આ નવા સમીકરણો અને જનમત સંગ્રહની માંગણીઓ ભવિષ્યમાં યુરોપ અને વૈશ્વિક સ્તરે મોટા રાજકીય બદલાવો સર્જી શકે છે.