અમેરિકાનો ઈરાન પર ભીષણ મિસાઈલ હુમલો: ચાબહારથી બંદર અબ્બાસ સુધી વિસ્ફોટો
-
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે બપોરે 12 વાગ્યે IRGC ના અડ્ડાઓ પર એરસ્ટ્રાઈક શરૂ કરી
-
વાણિજ્યિક જહાજો અને યુએસ સૈનિકો પર થયેલા હુમલાના વળતા જવાબમાં કાર્યવાહી
-
ચાબહાર, બંદર અબ્બાસ, જાસ્ક, કોણારક અને કશમ સહિતના વિસ્તારોમાં પ્રચંડ વિસ્ફોટો
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વિવાદે સોમવારે ફરી એકવાર ભયાનક યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. સંભવિત શાંતિ કરાર (પીસ ડીલ) અંગે ચાલતી વાટાઘાટો વચ્ચે અમેરિકી દળોએ હોર્મુઝની ખાડી નજીક ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના મહત્વના સૈન્ય થાણાઓ પર ભીષણ મિસાઈલ હુમલા કર્યા છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના સત્તાવાર નિવેદન અનુસાર, આ લશ્કરી એક્શન હોર્મુઝ ક્ષેત્રમાં તહેનાત અમેરિકન સૈનિકો તેમજ આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ શિપ પર ઈરાન તરફથી કરવામાં આવેલા હુમલાના કડક જવાબ તરીકે લેવામાં આવી છે. અમેરિકન સેનાએ પોતાના સ્થાનિક સમય મુજબ બપોરે 12 વાગ્યે પૂર્વનિર્ધારિત લક્ષ્યો પર હુમલા શરૂ કર્યા હતા.
ઈરાની સ્થાનિક પ્રસાર માધ્યમોના અહેવાલો મુજબ, અમેરિકી મિસાઈલમારા બાદ સમગ્ર દક્ષિણ અને દક્ષિણ-પૂર્વી ઈરાનના મોટા ભાગમાં પ્રચંડ વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. આ હુમલાઓમાં મુખ્ય બંદરો અને લશ્કરી અડ્ડાઓને મોટા પાયે નિશાન બનાવવામાં આવ્યા છે.
ઈરાનના મહત્વના દરિયાકાંઠાના શહેરો જેવા કે ચાબહાર, બંદર અબ્બાસ, કોણારક, કશમ, જાસ્ક, સિરિક અને મીનાબમાં શ્રેણીબદ્ધ મોટા ધડાકા થયા હતા, જેના કારણે દરિયાઈ સરહદ પર ભારે નાસભાગ અને તણાવ સર્જાયો હતો.
વિશ્વના સૌથી સંવેદનશીલ ઓઈલ સપ્લાય રૂટ ગણાતા હોર્મુઝની ખાડીમાં આ સીધા સૈન્ય સંઘર્ષના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના પુરવઠા અને શિપિંગ સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર કટોકટી ઊભી થઈ છે.
અમેરિકાનો ઈરાન પર મિસાઈલ હુમલો
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે હોર્મુઝની ખાડી નજીક ઈરાનના IRGC સૈન્ય થાણાઓ પર ભીષણ મિસાઈલમારો કર્યો છે. વાણિજ્યિક જહાજો અને યુએસ સૈનિકો પરના હુમલાના જવાબમાં ચાબહાર, બંદર અબ્બાસ, કોણારક અને જાસ્ક સહિતના દરિયાકાંઠાના શહેરોમાં બપોરે 12 વાગ્યે એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી, જેનાથી બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ બની છે.