ખાદ્ય તેલમાં 'ઓછા વજન'ની રમત બંધ: 1 સપ્ટેમ્બરથી નવા નિયમો દેશભરમાં લાગુ
-
ગ્રાહક સુરક્ષા વિભાગે બિન-પ્રમાણિત માપ વગરના ખાદ્ય તેલના પેકેટના વેચાણ પર રોક લગાવી
-
1 લિટર કે 1 કિલોના બદલે 800, 900 કે 910 ગ્રામના પેકિંગ વેચી ગ્રાહકોને છેતરાતા હતા
-
જૂનો સ્ટોક ખાલી કરવા કંપનીઓને અપાયેલી ત્રણ મહિનાની મુદત 31 ઓગસ્ટે પૂર્ણ થઈ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ખાદ્ય તેલના વેચાણમાં કંપનીઓ દ્વારા વજનમાં કરવામાં આવતી ગૂંચવણ અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિઓ પર કેન્દ્ર સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગે પૂર્ણવિરામ મૂકી દીધું છે. ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો કરીને 1 સપ્ટેમ્બરથી ખાદ્ય તેલના ચોક્કસ માપ વગરના એટલે કે બિન-પ્રમાણિત પેકેટ્સના વેચાણ પર સમગ્ર દેશમાં સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
અત્યાર સુધી અનેક તેલ ઉત્પાદક કંપનીઓ ગ્રાહકોને 1 લિટર કે 1 કિલોગ્રામનું પેકિંગ ખરીદી રહ્યા હોવાનો આભાસ કરાવીને વાસ્તવમાં 800 ગ્રામ, 900 ગ્રામ કે 910 ગ્રામ જેવા અસામાન્ય અને ગેરમાર્ગે દોરતા વજનના પેકેટ્સ બજારમાં ઉતારતી હતી. આ ચાલબાજીને કારણે સામાન્ય ગ્રાહક પેકેટનું સાચું વજન અને બે જુદી જુદી બ્રાન્ડ્સ વચ્ચેના વાસ્તવિક ભાવની સરખામણી કરવામાં ભારે મુશ્કેલી અનુભવતો હતો.
સરકારે આ અગાઉ કંપનીઓને બજારમાં પડેલો જૂનો માપ વગરનો સ્ટોક ખાલી કરવા માટે ત્રણ મહિનાનો સમયગાળો આપ્યો હતો, જેની મુદત 31 ઓગસ્ટે સમાપ્ત થઈ ગઈ છે. હવે 1 સપ્ટેમ્બરથી દેશમાં ઉત્પાદિત થતા તેમજ વિદેશથી આયાત કરવામાં આવતા બંને પ્રકારના તમામ મુખ્ય ખાદ્ય તેલ પર આ નવો નિયમ કડક રીતે અમલી બન્યો છે.
આ કાયદાકીય સુધારાથી બજારમાં ખાદ્ય તેલના પેકિંગમાં સંપૂર્ણ પારદર્શિતા આવશે. ગ્રાહકો હવે ફક્ત પ્રમાણિત અને નિર્ધારિત માપદંડો હેઠળ જ તેલ ખરીદી શકશે, જેનાથી કંપનીઓની ખોટી સ્પર્ધા અટકશે અને ગ્રાહકોને તેમના નાણાંનું પૂરું વળતર તેમજ વજન મળશે.
ખાદ્ય તેલમાં બિન-પ્રમાણિત પેકિંગ પર રોક
ગ્રાહક સુરક્ષા વિભાગે 1 સપ્ટેમ્બરથી ખાદ્ય તેલના 800 કે 900 ગ્રામ જેવા બિન-પ્રમાણિત પેકેટ્સના વેચાણ પર સંપૂર્ણ રોક લગાવી દીધી છે. કંપનીઓને જૂનો સ્ટોક ખાલી કરવા અપાયેલી મુદત 31 ઓગસ્ટે પૂર્ણ થતાં હવે દેશી તેમજ આયાતી તમામ ખાદ્ય તેલમાં સ્ટાન્ડર્ડ માપનું પાલન ફરજિયાત બન્યું છે, જેનાથી ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકશે.
માપ લખવું ફરજિયાત
સરકારે વધુ એક ટેકનિકલ સમસ્યાનો પણ ઉકેલ લાવી દીધો છે. જો પેકેટ પર જથ્થો લિટર કે મિલિલિટરમાં લખેલો હોય, તો તેની સરખામણીએ જ તેનું સાચું વજન (ગ્રામ કે કિલોગ્રામમાં) પણ સ્પષ્ટપણે લખવું પડશે.
નક્કી કરેલા માપમાં જ વેચાણ
નવા નિયમો મુજબ, ખાદ્ય તેલ માત્ર 9 નક્કી કરેલા માપ (પ્રમાણિત માપ) પર જ વેચી શકાશે. ઓછી આવક ધરાવતા વર્ગ અને એકલા રહેતા ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 200 મિલિલિટર કે 200 ગ્રામથી નાના સસ્તા પાઉચને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે, સાથે જ કેટલાક ખાસ તેલને પણ આ ફરજિયાત નિયમમાંથી છૂટ આપવામાં આવી છે.
પેકેટનું માપ બદલાયા પછી છૂટક કિંમતમાં થોડો તફાવત જોવા મળી શકે છે. ઉદાહરણ તરીકે, નિયમ વગરનાં 800 કે 900 ગ્રામ વાળા પેકેટ હટવા અને પૂરા 1 લિટરના પ્રમાણિત પેક આવવાથી છૂટક સ્તરે એક પેકેટના ભાવ વધી શકે છે.
આ ફેરફારનો સીધો ફાયદો સામાન્ય ગ્રાહકને મળશે. જૂની પદ્ધતિમાં જ્યારે કોઈ ગ્રાહક 1 લિટરનું પેકેટ સમજીને 800 કે 900 ગ્રામનું પાઉચ ખરીદતો હતો, ત્યારે ઉપરછલ્લી રીતે પેકેટની કિંમત 10 થી 15 રૂપિયા સસ્તી લાગતી હતી, પરંતુ પ્રતિ લિટર કે પ્રતિ કિલોના હિસાબે તે હકીકતમાં વધુ કિંમત ચૂકવતો હતો.
વજન અને માપના તફાવતને કારણે બે અલગ-અલગ બ્રાન્ડ્સ વચ્ચે સાચા ભાવની સરખામણી કરવી અઘરી હતી. ચોક્કસ માપ નક્કી થવાથી સ્થાનિક બજારમાં વધુ પારદર્શિતા આવશે અને ગ્રાહકોનો વિશ્વાસ વધશે.