Loading Please Wait !!!
અમેરિકા-ઈરાન યુદ્ધ વધુ ભીષણ બન્યું: 'વધુ મોટા હુમલા થશે' ટ્રમ્પની ખુલ્લી ચેતવણી

 

  • ઈરાને કુવૈત, બહેરીન, ઈરાક અને જોર્ડનમાં આવેલા યુએસ લશ્કરી મથકોને નિશાન બનાવી હુમલા કર્યા

  • જોર્ડનમાં 13 પૈકી 10 મિસાઇલો હવામાં તોડી પડાઈ, અમેરિકાએ સૈનિકોની ખુવારીનો દાવો નકાર્યો

  • યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને વધુ ભીષણ હુમલાની કડક ચેતવણી આપી

સિટી ન્યુઝ @ તહેરાન

અમેરિકા અને ઈરાન વચ્ચે લગભગ એક મહિના સુધી ચાલેલી શાંતિ વાટાઘાટો તૂટી પડતાં બંને દેશો વચ્ચેનું યુદ્ધ ફરી એકવાર અત્યંત ભીષણ સ્વરૂપમાં ભડકી ઊઠ્યું છે. અમેરિકાએ હોર્મુઝ જળમાર્ગ આસપાસના ઈરાની અંકુશ હેઠળના ટાપુઓ તેમજ વ્યૂહાત્મક ચાબહાર બંદર સહિતના વિસ્તારો પર મોટા પાયે મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે.

યુએસ સેનાની આ કાર્યવાહી સામે ઈરાને પણ આક્રમક વળતો જવાબ આપતાં પશ્ચિમ એશિયામાં અમેરિકી લશ્કરી મથકોને નિશાન બનાવ્યા છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડે કુવૈત, બહેરીન, ઈરાકના ઈર્બીલ તેમજ જોર્ડન સ્થિત અમેરિકન મથકો પર ડ્રોન અને મિસાઈલમારો કર્યો છે. જોર્ડન પ્રશાસને દાવો કર્યો છે કે છોડવામાં આવેલી 13 મિસાઇલોમાંથી 10 ને હવામાં જ તોડી પાડવામાં આવી હતી, જ્યારે અમેરિકાએ પોતાના દળોને મોટું નુકસાન થયાના દાવાને નકારી કાઢ્યો છે.

આ દરમિયાન હોર્મુઝ જળમાર્ગ નજીકના સિરિક વિસ્તારમાં અમેરિકન મિસાઈલ એક લગ્ન સમારોહ પર ખાબકતાં 4 વર્ષની માસૂમ બાળકી સહિત 5 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં અને 68 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આર્થિક પ્રતિબંધો બાદ લશ્કરી કાર્યવાહી તેજ કરતાં ખુલ્લી ધમકી આપી છે કે જો ઈરાન જવાબી કાર્યવાહી ચાલુ રાખશે તો તેના પર આનાથી પણ વધુ મોટા હુમલા કરવામાં આવશે. સામે પક્ષે ઈરાને પણ લલકાર ફેંકતાં જણાવ્યું છે કે અમેરિકાને ભારે પસ્તાવો કરવો પડે તેવા પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.

બંને દેશો વચ્ચે સૈન્ય સંઘર્ષ ચરમસીમાએ પહોંચતાં વૈશ્વિક ક્રૂડ ઓઈલ માર્કેટમાં તીવ્ર તેજી જોવા મળી રહી છે અને સમગ્ર મધ્ય પૂર્વ ક્ષેત્રમાં યુદ્ધનું જોખમ વધી ગયું છે.

અમેરિકા-ઈરાન વચ્ચે ભીષણ જંગ

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુ તેજ બનતાં ડોનાલ્ડ ટ્રમ્પે વધુ મોટા હુમલાની ચેતવણી આપી છે. તેના જવાબમાં ઈરાને કુવૈત, બહેરીન અને જોર્ડન સ્થિત યુએસ મથકો પર મિસાઈલ હુમલા કર્યા છે. અમેરિકી હુમલામાં એક લગ્ન સમારોહ પર મિસાઈલ પડતાં 5 ના મોત થયા છે. આ સંઘર્ષના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.