Loading Please Wait !!!
પાકિસ્તાની વાયુસેના દ્વારા અફઘાનિસ્તાનમાં ભયાનક એરસ્ટ્રાઈક

 

  • ગરમસિર જિલ્લામાં રહેણાંક મકાનોને નિશાન બનાવાયા

  • મૃતકોમાં અસંખ્ય મહિલાઓ અને માસૂમ બાળકો સામેલ

  • સ્થાનિક અધિકારીઓ દ્વારા હુમલાની સખત નિંદા

સિટી ન્યુઝ @ હેલમંદ

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે અત્યંત ભયાનક અને લોહિયાળ વળાંક લઈ રહ્યો છે. પાકિસ્તાની વાયુસેના દ્વારા ગુરુવારે અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં એક ભયાનક એરસ્ટ્રાઈક કરવામાં આવી છે, જેના કારણે ભારે વિનાશ વેર્યો છે અને આ ભીષણ હવાઈ હુમલામાં 22 જેટલા નિર્દોષ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 11 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

સ્થાનિક પ્રાંતિય અધિકારીઓ દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન સરકારે પણ આ એરસ્ટ્રાઈક કરી હોવાનું સ્વીકાર્યું છે. જો કે, ઈસ્લામાબાદ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે હુમલામાં માર્યા ગયેલા તમામ લોકો આતંકવાદીઓ હતા, પરંતુ જમીની સ્તરેથી અને સ્થાનિક સૂત્રો દ્વારા સામે આવતા અહેવાલો તદ્દન વિપરિત અને ચોંકાવનારૂ ચિત્ર ઉપસાવી રહ્યા છે.

હેલમંદ પ્રાંતના માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડા મૌલાના શેર મોહમ્મદ વહદતે વિગતો આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈન્ય દ્વારા હેલમંદના ગરમસિર જિલ્લામાં સામાન્ય રજિસ્ટ્રેશન ધરાવતા બે રહેણાંક મકાનોને સીધા નિશાન બનાવીને અત્યંત ક્રૂરતાપૂર્વક બોમ્બમારો કરવામાં આવ્યો હતો, જેનાથી આખો વિસ્તાર હચમચી ગયો હતો.

આ ખૌફનાક હવાઈ હુમલામાં જે લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે અથવા ગંભીર ઈજાઓ સહન કરી છે તેમાં મોટા ભાગે કોઈ આતંકવાદી નહીં પરંતુ નિદોર્ષ મહિલાઓ અને નાનાં-નાનાં માસૂમ બાળકો જ સામેલ છે. પાકિસ્તાની સૈન્યના આ અમાનુષી અને શરમજનક પગલાંને કારણે સમગ્ર અફઘાનિસ્તાનમાં ભારે રોષ અને ગુસ્સાની લાગણી ફેલાઈ ગઈ છે, તથા બંને દેશો વચ્ચે યુદ્ધ જેવું તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે.

પડોશી રાષ્ટ્રો વચ્ચે આ પ્રકારે સાર્વભૌમત્વના ઉલ્લંઘન અને નાગરિકોના ભોગ લેવાની ઘટનાઓ પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા માટે મોટો ખતરો સાબિત થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ પ્રકારની સૈન્ય કાર્યવાહીઓ સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે અને જો સમયસર પરિસ્થિતિ પર કાબૂ ન મેળવવામાં આવે તો પરિણામો વધુ ભયાનક બની શકે છે.

સરહદી તણાવ અને નાગરિક સુરક્ષા

બે દેશો વચ્ચેના રાજકીય અને લશ્કરી સંઘર્ષોમાં હંમેશાં સામાન્ય અને નિર્દોષ નાગરિકો જ મોટો ભોગ બનતા હોય છે. કૂટનૈતિક સંવાદ અને શાંતિપૂર્ણ માર્ગોનો અભાવ પ્રાદેશિક અસ્થિરતાને વધુ વેગ આપે છે.