વડોદરામાં ચૂંટણી પૂર્વે વિપક્ષના નેતાનો મોટો ધડાકો: ‘ભાજપ પ્લાન્ટેડ ઉમેદવારોને કોંગ્રેસમાં મોકલે છે’
- તુષાર ચૌધરીનો સણસણતો આક્ષેપ- બહુમતી છે તો ઉમેદવારોને ખરીદવાની જરૂર શું પડી?
- “અમે નબળા ઉમેદવાર મૂકીએ તો પણ ભાજપ ડરી જાય છે?”- વડોદરામાં રાજકીય ગરમાવો
- પાંચ વર્ષમાં કોઈ ફેરફાર નથી થયો; આ વખતે મહાનગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનશે તેવો દાવો
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયા બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના બે ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પાછા ખેંચી લેતા વિધાનસભાના વિપક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી પ્રચાર અર્થે વડોદરા દોડી આવ્યા હતા. તેમણે ભાજપ પર ‘ખરીદ-વેચાણ’ અને ‘પ્લાન્ટેડ ઉમેદવારો’ મોકલવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
તુષાર ચૌધરીએ માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "ભાજપ પાસે રાજ્ય અને કેન્દ્રમાં આટલી મોટી બહુમતી હોવા છતાં તેઓ લોકશાહી ઢબે ચૂંટણી લડતા કેમ ડરે છે? કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાની કે તેમને બેસાડી દેવાની જરૂર કેમ પડે છે?" તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ પહેલેથી જ પોતાના માણસોને કોંગ્રેસમાં મોકલે છે, જેઓ ટિકિટ માટે લોબિંગ કરે છે અને એકવાર મેન્ડેટ મળી જાય એટલે ભાજપના ખોળે બેસી જાય છે. આ લોકશાહીની સીધી હત્યા છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયામાં ખામી છે? ત્યારે તેમણે કબૂલાત કરતા કહ્યું કે, પ્રદેશ કક્ષાએ હજારો ઉમેદવારોની પ્રોફાઇલ ચેક કરવી શક્ય નથી હોતી. પસંદગી પ્રક્રિયા સ્થાનિક કક્ષાએથી થાય છે અને ત્યાંથી જે નામો આવે તેના પર વિશ્વાસ રાખવો પડે છે. જોકે, ક્યારેક તેમાં ‘પ્લાન્ટેડ’ ઉમેદવારો ઘૂસી જાય છે જેનો ભોગ પક્ષે બનવું પડે છે.
વડોદરાના વિકાસ અંગે પણ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, "હું જ્યારે વડોદરા ભણવા આવ્યો હતો ત્યારના વડોદરા અને આજના વડોદરામાં કોઈ ખાસ ફેર દેખાતો નથી. વિકાસ માત્ર કાગળ પર અને ભાષણોમાં જ છે." તેમણે દાવો કર્યો હતો કે જનતા હવે આ પ્રકારની રાજનીતિથી કંટાળી છે અને આ વખતે વડોદરા મહાનગરપાલિકામાં કોંગ્રેસ જંગી બહુમતી સાથે પોતાનું બોર્ડ બનાવશે. હાલમાં આ નિવેદનો બાદ વડોદરામાં રાજકીય ગરમાવો વધી ગયો છે.